ગાંધીનગર :અમદાવાદના નાગરિકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ હેઠળ, મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હવે તે લોકોની સેવા માટે તૈયાર છે. 40 કિલોમીટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમીટરનો થલતેજ ગામથી એપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કોરિડોરમાં 6.6 કિલોમીટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

₹12925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. 2014માં પ્રોજેક્ટ મંજૂર થયા બાદ અત્યાર સુધી કુલ 910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર અને 126 પ્રવેશ/નિકાસ પોઇન્ટ સામેલ છે.


આ પણ વાંચો : છોટાઉદેપુરમાં વેવાઈઓ વચ્ચે જંગ, ‘રાજ’ કરવા રાઠવા બ્રધર્સ પારિવારિક સંબંધો ભૂલ્યા


પીએમ પણ કરશે મેટ્રોમાં મુસાફરી
ગુજરાત પ્રવાસ દરમિયાન PM મેટ્રોમાં મુસાફરી કરશે. વંદેભારત ટ્રેનમાં ગાંધીનગરથી અમદાવાદ સુધી ૩૦ કિમી અને મેટ્રોમાં કાલુપુર સ્ટેશનથી 15 કિમી સુધી મુસાફરી કરશે. ગાંધીનગરથી કાલુપુર વંદે ભારતમાં આવશે. તેમજ કાલુપુરથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં જશે. SPG સહિતની સુરક્ષા એજન્સીઓએ રૂટની સમીક્ષા કરી. 


₹ 5થી 25 સુધીની ટિકીટ, દિવ્યાંગો માટે ખાસ સુવિધા
બન્ને કોરિડોરમાં ટિકિટનો દર અલગ અલગ સ્ટેશન માટે ₹ 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC) ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઈવાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે. તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તૈનાત રહેશે.


આ પણ વાંચો : અક્ષરધામ આતંકી હુમલાના 20 વર્ષ : આજે પણ ગુજરાત નથી ભૂલ્યું ખૌફમાં વિતાવેલા 14 કલાક



પૂર્વ અને પશ્ચિમ કોરિડોરના સ્ટેશન
થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરૂકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસ પીસ્ટેડિયમ, જૂની હાઇકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ


બીજા તબક્કામાં મેટ્રો ગાંધીનગર પહોંચશે
રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર છે જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.