PM મોદી 20મીએ ગજવશે ગુજરાત: ધરમપુર ખાતે જાહેરસભાનું આયોજન
ધરમપુરમાં પાણી પુરવઠ્ઠા યોજનાનું લોકાર્પણ કર્યા બાદ સભા સંબોધશે, અગાઉ પણ ધરમપુરમાં સંબોધી ચુક્યા છે સભા
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં 20મી જુલાઇએ પહેલા દિવસે ધરમપુર આવશે. બપોરે જૂનાગઢ અને સાંજે ગાંધીનગર ખાતે આવશે. પ્રાંત અધિકારીએ યોજેલી બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમ અંગે તમામ વિભાગોને તૈયાર રહેવા માટેના આદેશ આપ્યા છે. વડાપ્રધાનનો વિગતે કાર્યક્રમ આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ફરી એકવાર રેલીઓ ગજવવાની શરૂઆત કરવાનાં છે. અમિત શાહની રણનીતિ અનુસાર ભાજપનાં સ્ટાર પ્રચાર અને ભાજપનો સર્વોચ્ચ ચહેરો તેવા વડાપ્રધાન ફરી એકવાર પ્રચાર પ્રસાર માટે કમર કસી રહ્યા છે. વડાપ્રધાનનાં કાર્યક્રમમાં ધરમપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20 જુલાઇએ વડાપ્રધાન ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપવા ઉપરાંત રેલીનુ સંબોધન કરશે.
રેલીને ધ્યાને રાખીને અત્યારથી જ ધરમપુરમાં તૈયારીઓ આરંભી દેવાઇ છે. ઉપરાંત વલસાડ જિલ્લાનાં ભજાપ સંગઠન દ્વારા પણ વડાપ્રધાનનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે તથા મહત્તમ લોકો હાજર રહે તે માટેના પ્રયાસો આરંભી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ વડાપ્રધાને ધરમપુર ખાતે સભા સંબોધી હતી.