Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પીએમ મોદીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. પંમચહાલના દાહોદમાં આજે મતદાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના 'રાવણ' ના નિવેદનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ખડગે એ જ બોલ્યા જે તેમને કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીને ખબર નથી આ રામ ભક્તોનું ગુજરાત છે. રામ ભક્તોની સામે કોંગ્રેસે મોદીને રાવણ કહ્યા. કોંગ્રેસ પાર્ટી તો રામના અસ્તિત્વને જ નથી સ્વીકારતી. કોંગ્રેસ પાર્ટીને અયોધ્યાના રામ મંદિર ઉપર પણ વિશ્વાસ નથી. કોંગ્રેસને રામસેતુ સામે પણ વાંધો છે. કોંગ્રેસ મને અપશબ્દો બોલવા રામાયણમાંથી રાવણ લઈ આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જનસભામાં પ્રધાનમંત્રીના સંબોધન પહેલા મોદી મોદીના નારા લાગ્યા હતા. પંચમહાલમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે,  આજે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન છે. મતદાન ખૂબ શાંતિ પૂર્ણ રીતે ચાલી રહ્યું છે. માં કાળીના ચરણોમાં આજે આવ્યો છું ત્યારે જ્યાં મતદાન થઈ રહ્યું છે ત્યાં બધા રેકોર્ડ તૂટી જાય એવું મતદાન થશે. મારા પ્રવાસનું પણ આ છેલ્લું ચરણ છે. લોકોમાં અભૂતપૂર્વ ઉમંગ અને ઉત્સહ જોવા મળ્યો. ભાજપની સરકાર બનાવવાનો ઉમંગ જોવા મળ્યો. કોંગ્રેસની સરકાર વખતે પણ માં કાળી અને પાવાગઢ હતા તો એમને કશું દેખાયું નહિ અને મને દેખાયું. કોંગ્રેસ ચૂંટણી હારી જાય તો માનસિક સંતુલન ગુમાવી બેસે છે. ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે એ કોંગ્રેસને ખટકે છે. વાર તહેવારે મને ગાળો બોલે છે. કોંગ્રેસના રિમોટથી જે ચાલે છે એ થોડા દિવસ પહેલા આવ્યા હતા અને મોદીની ઔકાત બતાવવાની વાત કરી હતી. કોંગ્રેસે ખડગેને ભણાવી મોકલ્યા હતા. પણ એમને ખબર નથી ગુજરાત રામ ભક્તોનું ગુજરાત છે. ખડગેને કહેવામાં આવ્યું હતું કે, તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો એટલે એમને એવું કહ્યું. 



તેમણે આ વિશે વધુ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ આવી ભાષણબાજી માટે ખેદ વ્યક્ત નથી કર્યો. લોકતંત્રમાં કોંગ્રેસનો ભરોસો નથી, માત્ર એક પરિવારમાં જ ભરોસો છે. સ્પર્ધામાં ચાલે છે કે, મોદીને કોણ મોટી તીખી ગાળ બોલે છે. એક ભાઈ તો પાકિસ્તાન જઈને મને ગાળો દેતા હતા. 


ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદમાં પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો યોજાશે. બપોરે 3:30થી સાંજે 6:25 કલાક સુધી રોડ શો અમદાવાદના રસ્તાઓ પર નીકળશે. જે અત્યાર સુધીનો સૌથી લાંબો 32 કિલોમીટર લાંબો રોડ શો હશે. આ રોડ શો અત્યાર સુધીનો ગુજરાતમાં પ્રધાનમંત્રીનો સૌથી લાંબો રોડ શો હશે. અગાઉ સુરતમાં 30 કિલોમીટરનો પ્રધાનમંત્રીનો રોડ શો યોજાયો હતો. અમદાવાદમાં નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધીનું અંતર આ રેલીમાં કાપવામાં આવશે. પીએમ રોડ શોમાં અમદાવાદની તમામ 16 બેઠકોને આવરી લેશે. 


પ્રધાનમંત્રીના રોડના રૂટની વાત કરીએ તો...નરોડા પાટિયા સર્કલથી શરૂ થઈ કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી, સુહાના રેસ્ટોરન્ટ, શ્યામ શિખર ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, ખોડિયારનગર, BRTS રૂટ વિરાટનગર, સોનીની ચાલી, રાજેન્દ્ર ચાર રસ્તા, રબારી કોલોની, હાટકેશ્વર ચાર રસ્તા, ખોખરા સર્કલ,અનુપમ બ્રિજ, પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા, ભુલાભાઈ ચાર રસ્તા, શાહ આલમ ટોલનાકા, દાણીલીમડા ચાર રસ્તા, મંગલ વિકાસ ચાર રસ્તા, ચંદ્રનગર, ધરણીધર ચાર રસ્તા, જીવરાજપાર્ક ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા,હેલ્મેટ ચાર રસ્તા, AEC ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, પ્રભાત ચોક , પાટીદાર ચોક ,અખબારનગર ચાર રસ્તા, વ્યાસવાડી, ડી માર્ટ , આર.ટી.ઓ સર્કલ, સાબરમતી પાવર હાઉસ, સાબરમતી પોલીસ સ્ટેશન, વિસત ચાર રસ્તા, જનતાનગર ચાર રસ્તા, IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી રહેશે