30 સપ્ટેમ્બરે PM મોદી લેશે ગુજરાતની મુલાકાત, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત
આ પહેલાં 23 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહરાજ્ય ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી.
અમદાવાદ: વડાપ્રધાન નરેંદ્ર મોદી આલ્ફ્રેડ સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લેવા માટે 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના કાર્યક્રમમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે.
રાજકોટ ખાતે આવેલી આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીએ અભ્યાસ કર્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેના ઉદઘાટના કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ ઉપરાંત આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું પણ ઉદઘાટન કરશે.
આલ્ફ્રેડ સ્કૂલની સ્થાપના 1868માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી. વર્ષ 1907માં તેનું નામકરણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે કરાયું. અત્યારે જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ જૂનાગઢના બાબી વંશના નવાબે કરી આપ્યું હતું. રાષ્ટ્રની સ્વતંત્રતાના શ્રેયી ગાંધીજીની સ્મૃતિમાં આ શાળાનું નામકરણ મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે. ગાંધી સ્કૃતિઓ સાથે જોડાયેલા પોરબંદરના કીર્તિ મંદિરની માફક મોહનદાસ ગાંધી હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. મલ્ટિપલ સ્ક્રીન, ગ્રાફિકસ્, સર્કયુલર વિડીયો જેવા ઉપકરણો વડે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં 23 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહરાજ્ય ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. વડાપ્રધાને વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ 5000 મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કીલ સર્ટિફિકેટ તેમજ નિમણૂંકપત્રોનું વિતરણ કર્યું હતું.