PM જે દર્દીને મળ્યા તેણે કહ્યું, લોકો ટપોટપ નદીમાં પડવા લાગ્યા, મારી નજર સામે 7-8 ડૂબ્યા
Morbi Bridge Collapse : મોરબી દુર્ઘટનામાં બચી ગયેલા અશ્વિનભાઈ હડિયલના પીએમ મોદીએ ખબરઅંતર પૂછ્યા હતા, જેના બાદ તેમણે ત્યાં શુ થયુ તે જણાવ્યુ હતું...
Morbi Bridge Collapse :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીધી હતી. વડાપ્રધાને પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અશ્વિનભાઈ હડિયલ નામના શખ્સના પણ ખબર અંતર પૂછ્યા હતા, જેઓ આ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા, અને તેઓએ પોતાની નજર સામે અનેક લોકોને મરતા જોયા હતા.
અશ્વિનભાઈએ જણાવ્યુ હતું કે, પુલ પર તેની ક્ષમતા કરતા લોકો અનેકગણા વધારે હતા. આવા સમયે 25 થી 30 વર્ષની વયના યુવાનોનું ટોળુ મસ્તીએ ચઢ્યું હતું. આ યુવકોએ પુલને બ્લોક કર્યો હતો. આવામાં કેટલાક લોકોએ આગળ વધવા માટે બુમો પાડી હતી, પરંતું તેટલીવારમાં પુલ હાલકડોલક થવા લાગ્યો હતો. બાદમાં પુલ નદીમાં પડ્યો હતો. સેંકડો લોકો પાણીમાં ગરકાવ થયા હતા. સદનસીબે પુલની જાળી અમને બચવામાં કામમાં આવી હતી. અમે સાતથી આઠ લોકો પુલની જાળી પકડીને લગભગ 7થી 8 મિનિટ સુધી બેસી રહ્યા. ત્યાર બાદ અમે પુલના એક કિનારે પહોંચ્યા. આ દરમિયાન મેં ઘણા લોકોને મારી નજર સામે પાણીમાં ડૂબતા જોયા હતા. આ બધા જ દ્રશ્ય હચમચાવી નાંખે તેવા હતા, લોકો પાણીમાં ડૂબતા વખતે હાથપગથી તરફડિયા મારી રહ્યા હતા. બધા લોકો બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા હતા. અચાનક જ શું થઈ ગયું તે જાણીને ચારે તરફ સંભળાઈ હતી કોઈને કંઈ ખબર પડે તે પહેલા જ આ બધું થઈ રહ્યું હતું.
આ પણ વાંચો : મોરબી દુર્ઘટના : FSLમાં મોટો ઘટસ્ફોટ, કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો અને કાટ લાગેલો હતો
ઘાયલોના ખબર અંતર પૂછ્યા
વડાપ્રધાન પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. મોરબીમાં પુલ દુર્ઘટનામાં ઘાયલ ૬ દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહેશ દિનેશભાઈ ચાવડા (ઉ.૧૮), અશ્વિન અરજણભાઈ હડિયલ (ઉ.૩૬), રવિ કિશોરભાઈ પાટડિયા (ઉ.૩૦), સિદ્દીક મોહમ્મદ મોવાર (ઉ.૨૭), નઈમ નૌશાદ શેખ (ઉ.૧૮) તથા સવિતા અનિલભાઈ બારોટ (ઉ.૨૩) - આ તમામ દર્દીઓની હાલત સામાન્ય છે અને તેઓને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાયા છે. વડાપ્રધાને ઘાયલો સાથે વાત કરીને આપવીતી જાણી હતી. ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય અને તેમની ઉત્તમ સારવાર થાય તે જોવા સિવિલ હોસ્પિટલ સ્ટાફને ખાસ સૂચના આપી હતી.
ઘટના સ્થળનુ નિરીક્ષણ કર્યું
વડાપ્રધાને આ હોનારત જ્યાં બની હતી તે પુલની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લઈ નેવી, આર્મી, એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર વિભાગ દ્વારા થઈ રહેલી રાહત-બચાવ અને શોધખોળની કામગીરીનું નિરિક્ષણ દરબારગઢ મહેલમાંથી કર્યું હતું તેમજ આ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તેમજ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનિકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.