હદ વટાવે છે લોકો ત્યારે પોલીસે પણ કરવું પડે છે આ કામ!
સરકાર લોકોને વારંવાર ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે પણ આમ છતાં ઘણા લોકો હજી સુધી પરિસ્થિતિની ગંભીરતા નથી સમજી રહ્યા.
આશકા જાની, અમદાવાદ : દેશમાં કોરોના (Corona)vના વધી રહેલા આતંકને પગલે પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બની છે. સરકાર લોકોને વારંવાર ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે પણ આમ છતાં ઘણા લોકો હજી સુધી પરિસ્થિતિની ગંભીરતા નથી સમજી રહ્યા અને ખોટા બહાના કાઢીને રસ્તાઓ પર આંટા મારી રહ્યા છે. હવે પોલીસે આવા લોકો સામે કરડી આંખ કરે છે. અમદાવાદમાંના રિલીફ રોડ ખાતે પોલીસે જે લોકો ખોટા બહાનું બતાવી રસ્તા પર આંટા મારી રહ્યા હતા તેમની પાસે ઉઠક બેઠક કરાવીને હળવી સજા આપી હતી. હાલના સંજોગોમાં પોલીસ સતત તેમને ઘરની અંદર રહેવા માટે અપીલ કરી રહી છે.
હાલમાં ગુજરાતમાં કોરોનાગ્રસ્ત લોકોનો સત્તાવાર આંકડો 63 જાહેર કરાયો છે. ગુજરાતમાં 18,784 લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે જ્યારે 696 વ્યક્તિઓ સરકારી સુવિધા સાથેની કોરેન્ટાઇન વ્યવસ્થામાં છે. 181 વ્યક્તિઓ ખાનગી સુવિધા સાથેની કોરેન્ટાઇન વ્યવસ્થામાં છે. આમ કુલ 19,661 લોકો કોરેન્ટાઇનમાં છે. જે લોકોએ કોરેન્ટાઇનની વ્યવસ્થા ભંગ કર્યો છે એવા 236 લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ખૂબ જ અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે, તે અંગે વિગતવાર માહિતી આપતાં આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજ સુધીમાં સમગ્ર રાજ્યમાં 5 કરોડ, 65 લાખ, 83 હજાર, 774 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 81,815 લોકોએ પ્રવાસ કર્યો છે, તે પૈકીના 66,467 લોકોએ આંતરરાજ્ય પ્રવાસ અને 15,348 લોકોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે. આ સર્વેલન્સ માં 209 વ્યક્તિઓને અલગ-અલગ રોગોના ચિન્હો જણાયા છે. જે તમામને સારવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube