જાવેદ સૈયદ/અમદાવાદઃ શહેરમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવવાનો પર્દાફાશ કર્યો છે. મકાનમાં વિદેશી દારૂ  બનાવીને વેંચતા બે વ્યક્તિને વાડજ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી નકલી દારૂનો જથ્થો, ઉંચી બ્રાન્ડના  સ્ટીકર અને દારૂની બોટલ કબજે કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં રહેતા અને બુટલેગરનો ધંધો કરતા વિકી ઉર્ફે ખલી અને મંદિપ ભાવસાર બંન્ને વ્યક્તિ નકલી વિદેશી દારૂ  બનાવીને તેને બ્રાન્ડેટ દારૂની બોટલમાં ભરીને ખૂબ ઊંચી કિંમતે વેંચતા હતા. વાડજ પોલીસે રામદેવ ટેકરા નજીક  આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટમાં તેમના નિવાસ્થાને રેડ પાડીને આ કારોબારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને  ઘરમાંથી દારૂ બનાવવાની સામગ્રી, બ્રાન્ડેટ દારૂની બોટલ અને નકલી દારૂ બનાવેલી 95 બોટલ મળી આવી હતી. 


આરોપીએ સસ્તા ભાવે વિદેશી દારૂની ખરીદી કરતા હતા. ત્યારબાદ તેને કેરબામાં ભરી તેમાં પાણી અને કોલ્ડ્રીંક્સ  ભેળવતા હતા. આ નકલી દારૂ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં ભરી તેના પર સ્ટીકર લગાવી દેતા હતા. આ  બોટલ તે 1500થી 2000 રૂપિયામાં વેંચતા હતા. છેલ્લા એક મહિનાથી બંન્નેએ આ ધંધો શરૂ કર્યાનું સામે આવ્યું  છે. 


ઝડપાયેલા આરોપીમાં વિકી ઉર્ફે ખલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ પહેલા પણ તે જેલમાં જઈ ચુક્યો છે.  હાલતો પોલીસે બંન્નેની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.