અમદાવાદ: મંદિર એટલે એક પવિત્ર જગ્યા. જ્યાં ભગવાનનું સ્મરણ, પૂજા અર્ચના અને કિર્તન-સત્સંગ થતા હોય છે. પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે મંદિરમાં નશાનો સામાન વેચાતો હોય? આવું નાપાક કામ બીજુ કોઈ નહીં પરંતુ તે મંદિરનો પૂજારી કરતો પકડાયો છે. વાત છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની. જ્યાં મંદિરનો પૂજારી જ ગાંજો વેચતો પકડાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તાર મેઘાણીનગરમાં એક મંદિરનો પૂજારી મંદિરમાં જ ગાંજો વેચતો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મેઘાણીનગરમાંથી મંદિરના પૂજારીને ગાંજો વેચતો પકડ્યો છે. આરોપી પાસેથી 140 ગ્રામ ગાંજાનો જથ્થો એનસીબીએ કબજે કર્યો છે.


આરોપી લક્ષ્મણગિરી ગોસ્વામી મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો અને ભક્તિની આડમાં નશાનો વ્યાપાર ચલાવતો હતો. એનસીબીએ આરોપીની પૂછપરછ કરતા તે ચાર વાર જેલમાં સજા કાપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે અને આરોપી શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ગાંજો વેચી નશાનો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.