મોજશોખ પુરા કરવા મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં કરતા હતા વેચાણ, પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા
સુરતમાં વારેવારે ડ્રગ્સ, ચરસ અને ગાંજો ઝડપાતો રહે છે. સુરતમાં ડ્રગ્સના દુષણને દૂર કરવા માટે પોલીસ પણ સતત કામ કરી રહી છે. સુરતમાં ફરી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ લોકો ઝડપાયા છે.
પ્રશાંત ઢીવરે, સુરતઃ સુરત ડ્રગ્સ, ચરસ, ગાંજાનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે...પોલીસ ડ્રગ્સના દુષણનો નાશ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે...જો કે તેમ છતાં અવાર નવાર શહેરમાંથી લાખો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મળી આવતો હોય છે...તેવામાં ફરી એકવાર ડ્રગ્સ મળી આવતા પોલીસે આ મામલે 3 આરોપીને દબોચી લીધા છે...આરોપીઓ કોણ છે, તેઓ કેવી રીતે ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, તેમના પાસેથી કેટલું ડ્રગ્સ મળ્યું, તમામ સવાલોના જવાબ જોઈએ આ રિપોર્ટમાં...
સુરત સિટી પોલીસ છેલ્લા 3 વર્ષથી ‘નો ડ્રગ્સ ઈન સિટી’ અભિયાન ચલાવી રહી છે...જેમાં પોલીસે અનેક ગુનેગારોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે...જો કે તેમ છતાં શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ નથી થમી રહી...તેવામાં રાંદેર વિસ્તારની વાત કરીએ તો અહીંથી પોલીસે 34 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે...ઝડપાયેલા આરોપીઓના નામ છે સુલેમાન ઉર્ફે ફારૂક, મોહમદ જાવીદ શેખ અને ઐજાઝ અયુબ સૈયદ...આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે...
મોજ શોખ માટે આરોપીઓ ડ્રગ્સનું કરતા હતા વેચાણ
આરોપીઓ મુંબઈમાં રહેતા મુસા નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મગાવતા
ડ્રગ્સ મગાવવા આરોપીઓ વ્હોટ્સેપનો ઉપયોગ કરતા
જ્યારે ડ્રગ્સની જરૂર હોય ત્યારે વર્ચ્યુલ મોબાઈલ નંબરથી જોડાઈ જતા
આરોપીઓ મુંબઈના સાંતાક્રુઝ ખાતેથી MD ડ્રગ્સની ખરીદી કરતા હતા
જે બાદ આરોપીઓ ડ્રગ્સને સુરત લાવી તેનું છુટક વેચાણ કરતા હતા
આ પણ વાંચોઃ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે શરૂ થઈ કાનાફૂસી, ત્રણ નેતાઓના નામ રેસમાં આગળ
પોલીસને બાતમી મળી હતી કે ત્રણેય આરોપી હેરાફેરી કરવા જવાના છે...ત્યારે પોલીસે વોચ ગોઠવતા જીનાલી બ્રિજ પાસે આવેલા ફઝલ એપાર્ટમેન્ટ પાસેથી ત્રણેય આરોપીઓને ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા...આરોપીઓ પાસેથી 3.43 લાખ રૂપિયાનું 34.30 ગ્રામ MD ડ્રગ્સ, 2 મોપેડ અને રોકડા મળીને કુલ 6.07 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે...
હાલ ત્રણેય આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે...આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા, તેઓ કોને-કોને ડ્રગ્સનું વેચાણ કરતા તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે...મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી છુટક ડ્રગ્સનું વેચાણ વધ્યું છે...પોલીસ ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓને તો ઝડપી રહી છે...પોલીસ યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢવાથી સંપૂર્ણ રીતે રોકી શક્શે કે નહીં, તે હવે જોયું રહ્યું.