ગાંધીનગરઃ હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસમાંથી રૂ.4 લાખની કિંમતનું 8.25 કિલો ચરસ પકડાયું છે. પોલીસે આ જથ્થો લઈ જઈ રહેલા શખ્સની પણ ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરની પોલીસે બાતમીના આધારે હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે વોચ ગોઠવી હતી. તેમણે અહીંથી પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસને અટકાવીને તેમાં તપાસ કરતાં ચરસનો 8.25 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેની કિંમત અંદાજે રૂ.4 લાખ જેટલી થવા જાય છે. પોલીસે આ જથ્થો લઈ જઈ રહેલા એક શખ્સની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે. 


પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ચરસનો આ જથ્થો કાશ્મીરથી અજમેર થઈને ગુજરાતમાં વેચાણ માટે લાવવામાં આવી રહ્યો હતો. ચરસના આ જથ્થાને પ્લાસ્ટિકની બરણી અને ડબ્બામાં પેક કરવામાં આવેલો હતો. ગાંધીનગર પોલીસે ચરસનો જથ્થો લઈને જઈ રહેલા શખ્સની ધરપકડ કરીને વધુ વિગતો મેળવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.