ઢબુડી માતા ફરતે ગાળિયો કસાયો, પોલીસે ચાંદખેડાના ઘરે ચોંટાડી નોટીસ
ધનજીના સાથીદારોમાં પૈસાના લઈને વિખવાદ શરૂ થયા પછી સમગ્ર મામલો બહાર આવ્યો છે, ધનજી ઓડ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પોલીસે ધનજીની યુટ્યુબ ચેનલ અને વિદેશમાં એકાઉન્ટ જેવી અનેક બાબતો તપાસ હાથ ધરી છે
મૌલિક ધામેચા/અમદાવાદઃ ઢબૂડી માતાને લઈને દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસે પણ ધનજી ઓડની શોધખોળની શરૂઆત કરી છે. ધનજી ઓડ અત્યારે તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ગાંધીનગરના પેથાપુરની પોલીસની એક ટીમ ધનજીના ચાંદખેડા ખાતે આવેલા દીપકુંજ નિવાસસ્થાને પહોંચી હતી. ઘરે કોઈ ન મળતાં પોલીસ ધનજીના ઘરની બહાર નોટીસ ચોંટાડીને પાછી ફરી છે.
પેથાપુર પોલીસે ઢબુડી માતાના કારણે ગઢડાના ભીખાભાઈ માણીયાએ પોતાના કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ભીખાભાઈના દીકરાનું 11 માર્ચ, 2016ના રોજ કેન્સરથી મોત થયું હતું. ધનજીએ દાવો કર્યો હતો કે, દવા બંધ કરી દો, તેના આશિર્વાદથી કેન્સર મટી જશે. મૃત્યુના 3 વર્ષ બાદ ફરિયાદ નોંધાવાઈ છે.
આ અગાઉ 2018માં રૂપાલ ગામના સરપંચ અને રહીશોએ પણ ઢબૂડી માતા ભુવો બનીને અંધશ્રદ્ધા ફેલાવે છે તેવી અપીલ કરી હતી. રૂપાલ ગામના લોકોએ ધનજી ઓડને ગામમાંથી કાઢી મૂકીને પોલીસે જાણ કરી હતી. રૂપાલમાં બાધા લઈને આવનારી મહિલા દ્વારા ધનજીને ભુવાજી કહીને સંબોધવામાં આવતાં તેણે મોઢામાં ચપ્પલ મોઢામાં નખાવીને પરીક્ષા લીધી હતી. યુ ટ્યુબમાં વીડિયો વાયરલ થયા પછી ગામના લોકોએ ધનજીને ગામ બહાર કાઢી મુક્યો હતો.
ઢબુડી માતાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી, 6 સપ્ટેમ્બરે સુનાવણી
ઝી મીડિયા પાસે ધનજીનો આ વિવાદિત એક્સ્ક્લૂસિવ વીડિયો છે. વિવાદને પગલે હાલ મહિલાનો આ વિડીયો ધનજી ઓડની યૂટ્યૂબ ચેનલ પરથી હટાવી લેવાયો છે. પરિવાર સહિત અન્ય સ્વંયસેવકો તેના ત્યાં આવતા શ્રદ્ધાળુઓ સમક્ષ ધનજીના ગુણગાન ગાઈને ઢબુડી માતા કામ કરતા હોવાનો વિશ્વાસ અપાવતા હતા. ઘમંડી ધનજી ઓડ શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને રૂપાલ વરદાયની માતાને નહિ પૂજવાની પણ ટિપ્પણી કરતો હતો.
ધનજીના સાથીદારોમાં પૈસા બાબતે વિખવાદ
ધનજીની ખ્યાત દેશ-વિદેશમાં વધી જતાં નાણાની રેલમછેલ થવા લાગી હતી. આથી, પૈસાના વહીવટને લઈને છેલ્લા કેટલાય સમયથી અંદરો-અંદર વિખવાદ શરૂ થયો હતો. ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના નામે ઘણા લોકો સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવતા હતા. પેથાપુર પોલીસે હવે વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને તેણે ક્યારથી ઢીંગલી માતાનું રૂપ ધારણ કર્યું હતું તેની ઉલટ તપાસ હાથ ધરી છે.
પોલીસે કયા મામલે તપાસ શરૂ કરી
- વિદેશમાં એકાઉન્ટ ધરાવતા ધનજી ઓડની મિલકત ને લઈને તપાસ તેજ
- પોલીસે યુ ટ્યુબ એકાઉન્ટ અને તેના સેવકોની તપાસ શરૂ કરી
- નિવેદન આપવા માટે પોલીસે ધનજીના ચાંદખેડાના ઘરે ફટકારી નોટિસ
જુઓ LIVE TV....