નવા વર્ષની પાર્ટીમાં નબીરાઓને ઝડપવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, નશો કરીને ઝડપાયા તો ગયા
અમદાવાદમાં લોકો વર્ષ 2024ને વિદાય આપવા અને નવા વર્ષ 2025ના વધામણા કરવા માટે તૈયાર છે. આ સાથે અમદાવાદ પોલીસે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે પ્લાન બનાવ્યો છે.
અમદાવાદઃ આવતીકાલે વર્ષ 2024ને વિદાય આપવા અને નવા વર્ષ એટલે કે 2025નું સ્વાગત કરવા માટે અમદાવાદમાં અનેક જગ્યાએ ઉજવણી થશે. 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે. આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે પ્લાન બનાવી લીધો છે. અમદાવાદ પોલીસે છેલ્લા એક સપ્તાહથી શહેરમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
શું છે પોલીસનો એક્શન પ્લાન?
અમદાવાદ શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 31મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદ શહેરમાં 6 હજાર પોલીસ જવાનો રસ્તા પર હાજર રહેશે. શહેરના દરેક પોલીસ દીઠ બે વાહન ચેકિંગ પોઈન્ટ પર રહેશે. અમદાવાદમાં કુલ 100 જેટલા ચેકિંગ પોઈન્ટ હસે. 2000થી વધુ બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ રસ્તા પર રહેશે.
નશો કરીને નિકળ્યા તો ગયા
31મી ડિસેમ્બરની રાત્રે ઘણા લોકો રસ્તાઓ પર નશો કરીને નિકળતા હોય છે. આ માટે પણ અમદાવાદ પોલીસે ખાસ તૈયારી કરી છે. 200થી વધુ બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ સજ્જ થઈ છે. જે લોકો ડ્રિંક અને ડ્રાઇવમાં ઝડપાશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી માટે જે જગ્યા પર ભીડ વધારે હોય ત્યાં ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે.
અમદાવાદ પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ, સરખેજ હાઈવે અને રિવરફ્રંટ પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, કારણ કે આ જગ્યાઓએ લોકોની ભીડ વધારે હોય છે. 31મી ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી માટે અમદાવાદ પોલીસને અત્યાર સુધી 16 અરજીઓ મળી છે. પાર્ટી આયોજકોએ ગાઇડલાઇનનું ખાસ પાલન કરવાનું રહેશે.
અમદાવાદ પોલીસની ખાસ નજર દારૂ, ડ્રગ્સનો નશો કરી રસ્તા પર નિકળતા લોકો પર છે. પોલીસે આવા નબીરાઓને પકડવા માટે જોરદાર પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ દ્વારા 9 ક્યુઆરટી વાન, 26 સ્પીડગન કેમેરા, 36 ક્રેઇન, 93 પીસીઆર વાન અને ચાર બીડીડીએસની ટીમ તૈયાર કરવામાં આવી છે. એટલે કે શહેરમાં શાંતિપૂર્ણ રીતે 31મી ડિસેમ્બરની ઉજવણી થાય તેનો પ્લાન અમદાવાદ પોલીસે કર્યો છે.