હાર્દિકના ઘરની બહાર મીડિયા સાથે પોલીસનું ગેરવર્તન, કમિશનરે આપ્યા તપાસના આદેશ
જેસીપી દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતા મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાંથી સારવાર બાદ પાસ નેતા હાર્દિક પટેલ તેના નિવાસ્થાને પાછો ફર્યો હતો. તેણે ફરી ઉપવાસ શરૂ કરી દીધા છે. હાર્દિકના સમાચાર કવર કરવા માટે મીડિયા જ્યારે પાછળ જઈ રહ્યું હતું ત્યારે પોલીસે મીડિયાકર્મિઓને અટકાવ્યા હતા. પોલીસે આ સાથે મીડિયાકર્મિઓ સાથે દાદાગીરી કરી હતી અને ધક્કામુકી કરી હતી. મીડિયા સાથે ગેરવર્તન થતા પોલીસ કમિશનરે આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.
પોલીસની દાદાગીરી કેમેરામાં કેદ
જેસીપી દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતા મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસની દાદાગીરીને તાબે થયા વગર મીડિયાકર્મીઓએ ગ્રીનવુડ રિસોર્ટમાં જવા માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા પરંતુ પોલીસ એકની બે થવા તૈયાર ન હતી. ત્યારે પોલીસે કરેલા દુર્વ્યવહારને મીડિયાના કેમેરામેન્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.
હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપીએ જેસીપી ઝોન 1ને તપાસ કરવાનો આદેશ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘે આપ્યો છે. મીડિયા સાથે થયેલા દુર્વ્યવહાર બાદ પણ ગ્રીનવુડ રિસોર્ટમાં મીડિયાકર્મીઓને જવા દેવામાં આવ્યા નથી.
હાર્દિક પટેલે કર્યું ટ્વીટ
હાર્દિકના ઘરની અંદર કવરેજ કરવા જઈ રહેલા મીડિયાકર્મીઓ પર પોલીસની દાદાગીરી મુદ્દે હાર્દિક પટેલે ટ્વીટ કરી પોલીસની ટીકા કરી છે. હાર્દિકે લખ્યું કે ઉપવાસ આંદોલનનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો અને તેમના કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો. મીડિયા સાથે જે થયું તે ખોટું થયું. સાથે જ હાર્દિકે DCP રાઠોડ પર વ્યંગ્ય કરતા લખ્યું કે રાઠોડે મને કહ્યું કે હું તને મારી નાખીશ. શું હવે જીવતા રહેવાનું અને મારી નાખવાનું કામ યમરાજે રાઠોડ જેવા પોલીસ અધિકારીને સોંપી દીધું છે ?