ગૌરવ દવે/ રાજકોટ: દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે ઘરનું ઘર મળે જો કે આ માટે સરકાર દ્વારા પણ આવાસ યોજના મારફત લાભાર્થીઓને ઘર આપવામાં આવે છે. પરંતુ રાજકોટમાં એક એવા શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે જે શખ્સ લોકોના સ્વપ્ન પર પાણી ફેરવી દેતો હતો અને રૂપિયા મેળવી ઘર અપાવવાના બહાને છેતરપિંડી આચરતો હતો. જૂઓ કોણ છે આ શખ્સ અને કેવી રીતે આચરતો હતો છેતરપિંડી અમારા આ રીપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ભક્તિનગર પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સનું નામ અમિત ભાવસિંગભાઈ ચૌહાણ છે. આરોપી અમિત ચૌહાણ પર આરોપ છે આવાસ યોજનામાં ઘરનું ઘર લેવા માંગતા લાભાર્થીઓ સાથે છતરપિંડી આચરવાનો.. રાજકોટનાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રવિશંકરભાઈ ગૌતમ નામનાં વ્યક્તિ આવ્યા હતા અને તેને ફરીયાદ નોંધાવી હતી કે, અમિત ચૌહાણ નામનો શખ્સ આવાસ યોજનાનાં ફોર્મ ઉઘરાવી અને ફ્લેટ આપવાની લાલચે તેની સાથે 90 હજાર રૂપીયાની છેતરપિંડી આચરી છે. જેને આઘારે પોલીસે ફરીયાદ નોંધી અમિત ચૌહાણની ધરપકડ કરી હતી. 


પોલીસ તપાસમાં આરોપી પાસે થી રાજકોટ મહાનગરપાલીકનાં પીએમએવાય આવાસ યોજનાનાં ફોર્મ અને પહોંચમા લગાવવા માટેનાં રાજકોટ મહાનગરપાલીકનાં નકલી સિક્કા મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં આરોપી પાસેથી કુલ 4 જેટલા લોકો સાથે છેતરપિંડ આચરી હોવાની વિગતો સામે આવી હતી. જેથી પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 406, 420, 465, 468, 471, 472, 474 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,


શું છે મોડેશ ઓપરેન્ડી ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી અમિત ચૌહાણ આવાસ લેવા માંગતા લાભાર્થીઓની શોધખોળ કરતો હતો. જે વ્યક્તિ આવાસ યોજનામાં ફ્લેટ લેવા માંગતો હોય તેનાં ઘરે આરોપી અમિત ચૌહાણ જતો અથવા તો બગીચામાં મળવા માટે બોલાવતો હતો. લાભાર્થીને વિશ્વાસમાં લીધા પછી આરોપી અમિત તેને રાજકોટ મહાનગરપાલીકનાં લોગો વાળું ફોર્મ આપતો અને ભરી દેવા માટે કહેતો. રૂ. 90 હજાર ડાઉન પેમેન્ટ તરીકે આપવાનાં હોવાનું કહિને ગરીબ લોકોને 30-30 હજારનાં હપ્તા કરી દેતો હતો. પોલીસને રવિશંકરભાઇ ગૌતમની ફરીયાદ મળતા પોલીસે 3 દિવસ સુધી અમિત ચૌહાણ પર વોચ ગોઠવી હતી અને ડમી ગ્રાહક મોકલીને દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી એક જ સિરીઝનાં બોગસ ફોર્મ, RMC નકલી સિક્કા બનાવવાની કિટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.


શું છે ગુનાહિત ઇતિહાસ ?
પોલીસ સુત્રોનું કહેવું છે કે, આરોપી અમિત ચૌહાણ સામે ઘણાં વર્ષો પહેલા પણ મોલવીયાનગર પોલીસમાં અરજીઓ થઇ હતી. તે સમયે પણ આરોપી અમિત ચૌહાણ આવાસ યોજનાનાં નામે છેતરપિંડી કરતો હોવાની અરજીઓ આવી હતી. જેતે સમયે આરોપી સામે પોલીસ તપાસ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ ફરીયાદ નોંધાઇ નહોતી


કેવી રીતે ફુટ્યો ભાંડો ?
ફરિયાદી રવિશંકર ગૌતમ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પાસે રહેલી પહોંચ ખોટી છે. તેમજ પહોંચમાં લગાવવામાં આવેલો રાજકોટ મહાનગરપાલિકાનું સ્ટેમ્પ પણ ખોટો છે. જે બાબતની જાણ થતા ફરિયાદી દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આરોપી અમિતભાઈ ભાવસિંગભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી


હાલ તો પોલીસે આરોપી અમિત ચૌહાણની ધરપકડ કરી પોલીસ રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ભક્તિનગર પોલીસે લોકોને પણ અપિલ કરી છે કે, આવાસ યોજનાનાં નામે કોઇ લોકો સાથે છતરપિંડી થઇ હોય તો ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. જોકે પોલીસ રીમાન્ડની અંદર આરોપી કેટલા ગુનાઓની કબુલાત આપે છે તે પણ જોવું રહ્યું