ગુજરાતી વિદ્યાર્થીઓએ બનાવ્યું ખાસ પ્રકારની ઈંટ બનાવતું મશીન, પ્રદૂષણથી આપશે મુક્તિ
Research : ગુજરાતના વિદ્યાર્થીઓએ સાથે મળીને એવુ મશીન બનાવ્યું જે વાતાવરણની અસર સામે રાહત આપશે
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતીઓ ધંધામાં કાઠુ કાઢે છે. અમસ્તુ જ નથી કહેવાતુ કે ગુજરાતીઓના લોહીમાં ધંધો છે. આ માટે તેમના દિમાગના ગજબના આઈડિયા પેદા થયા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંદાજિત દોઢ લાખ રૂપિયાના ખર્ચે બ્રિક મેકિંગ મશીન તૈયાર કર્યું છે. ઘરના બાંધકામમાં વપરાતી ઈંટોની જેમ જ બ્રીકનો ઉપયોગ થઈ શકશે.
બ્રીક મેકિંગ મશીન બનાવનાર વિદ્યાર્થી ધ્રુવે પંચાલે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, અમે 5 વિદ્યાર્થીઓએ મળીને બ્રિક મેકીંગ મશીન બનાવ્યું છે. બ્રીક મેકિંગ મશીનમાં એક બ્રીક બનાવવા માટે 80% માટી, 5% લાઈમ, 5% સ્ટોન ડસ્ટ અને 10% સિમેન્ટ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. માત્ર બે સેકન્ડમાં એક બાય અડધો ફૂટની એક બ્રીક બનીને તૈયાર થાય છે.
આ પણ વાંચો : ગુજરાતનું ધનવાન મહાલક્ષ્મી મંદિર, માતાને કરાયો 31 લાખની ચલણી નોટનો શણગાર, જુઓ Photos
જો બ્રિકનો વપરાશ બાંધકામ ક્ષેત્રમાં થાય તો આગામી સમયમાં વાતાવરણમાં પ્રદૂષણ અટકે તેમજ ઘરોમાં ગરમીનો અહેસાસ ઓછો થવાનો દાવો આ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, ભઠ્ઠામાં બનતી ઈંટોની વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે તેમજ દિવાળીનાં સમયમાં દેશભરમાં પ્રદૂષણ વધતું હોય છે એવામાં આ બ્રિક બનાવવામાં વાતાવરણમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં દેશના અલગ અલગ રાજ્યોમાં ગરમીની સીઝનમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચે છે, એવામાં મકાનમાં બ્રિકનો વપરાશ કરાયો હોય તો અંદાજે 10 ડિગ્રી જેટલી ઓછી ગરમીનો અહેસાસ થશે. ઈંટની સરખામણીમાં બ્રીકની ક્ષમતા પણ લગભગ બમણી છે.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેર જેવી દિવાળી આખા દેશમાં ક્યાય નથી થતી, થાય છે દેશી ફટાકડાનું યુદ્ધ
ઉલ્લેખનીય છે કે, 8 ઇંચની સામાન્ય રીતે એક ઈંટ મળતી હોય છે, જેની કિંમત હાલ 8 થી 10 રૂપિયા છે. પરંતુ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું બ્રિક જેની સાઇઝ 12 ઇંચ બાય અડધો ઇંચ છે, અને તેની કિંમત અંદાજે 15 રૂપિયા છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા આ સ્ટાર્ટ અપને મદદ મળે તો સામાન્ય રીતે વપરાતી ઈંટ સામે બ્રીકનો ઉપયોગ વાતાવરણમાં વધતા પ્રદૂષણને અટકાવવા અને ગરમી બંને સામે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.