ડિજિટલ ઇન્ડિયાનું સૂરસૂરિયું; આ શહેરમાં છેલ્લા અઢી મહિનાથી ડિજિટલ પોર્ટલ ઠપ્પ, અરજદારોએ ઠાલવી હૈયાવરાળ
પોરબંદરની જૂની કલેકટર કચેરી ખાતે આવેલ પીવીસી ચૂંટણીકાર્ડ વિભાગમાં છેલ્લા અઢી માસથી અરજદારો ધકકા ખાઇ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ પોર્ટલ સેવા અંતર્ગત ચૂંટણી કાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે.
અજય શીલુ/પોરબંદર: એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદરમાં છેલ્લા અઢી મહિનાથી ડિજિટલ સુવિધા ઠપ્પ થતાં લોકોને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. ત્યારે કઇ કામગીરી ઠપ્પ થવાના કારણે અરજદારોને મહિનાથી ધક્કા ખાવાના વારો આવ્યો છે.
પોરબંદરની જૂની કલેકટર કચેરી ખાતે આવેલ પીવીસી ચૂંટણીકાર્ડ વિભાગમાં છેલ્લા અઢી માસથી અરજદારો ધકકા ખાઇ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ પોર્ટલ સેવા અંતર્ગત ચૂંટણી કાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ પોર્ટલમાં ખામી સર્જાતા છેલ્લા અઢી માસથી અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. ડિજિટલ પોર્ટલમાં ખામી સર્જાતા કોઈ પણ જાતની કામગીરી થઇ શકતી નથી. આ કચેરીના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ ડિજિટલ પોર્ટલમાં ખામી આવતા કર્મચારીઓ પણ પોતાની કામગીરી કરી શકતા નથી અને તેઓને ના છુટકે અરજદારોને પોર્ટલ બંધ હોવાનું જણાવવુ પડી રહ્યું છે. તેથી અહી આવતા અરજદારો પણ માંગ કરી રહ્યા છે કે, વહેલી તકે ફરીથી કામગીરી શરૂ થાય જેથી તેઓને ધક્કા ખાવા ન પડે.
પોરબંદરની કચેરીમાં જુનામાંથી નવા ચૂંટણી કાર્ડ, ચૂંટણી કાર્ડ ખોવાયા અંગેની કામગીરી સહીતની કામગીરી અહીં એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ડિજિટલ પોર્ટલ બંધ હોવાથી કચેરી બહાર એવું લખાણ લગાવવામાં આવ્યું છે કે સર્વર પ્રોબ્લેમ હોવાથી હાલમાં ચુંટણી કાર્ડની કામગીરી બંધ છે. અરજદારોની મુશ્કેલી અંગે જ્યારે પોરબંદર ચૂંટણી શાખાના અધિકારીને પુછવામાં આવતા તેઓએ એવું જણાવ્યું હતું કે, ઇલેક્શન કમિશન દિલ્હી દ્વારા રાજ્યમાં આ કામગીરી કરતી સીએચસી એજન્સીનો કોન્ટ્રાક્ટ હજુ સુધી રીન્યુ નહીં થતા અને તે અન્ડર પ્રોસેસ હોવાથી પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં હાલ આ કામગીરી બંધ છે જે અંગે ગાંધીનગર ઇલેક્શન કમિશ્નર પણ રજુઆત કરવામાં આવી છે.
ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરવા તેમજ પીવીસી કાર્ડ કઢાવવા સહિતની કામગીરી જિલ્લામાં માત્ર એક જ જગ્યા પર થતી હોય અને તે પણ અઢી માસથી બંધ થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. આગમી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી હોવાથી વહેલી તકે ફરીથી આ કામગીરી શરૂ થાય તેવું જિલ્લાવાસીઓ પણ માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube