અજય શીલુ/પોરબંદર :મેઘરાજાએ રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારી મેઘ મહેર કરી છે. પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતીત બન્યા છે. તો જિલ્લાના બરડા પંથકના હજારો ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા નિષ્ફળ નિવડ્યો છે, જેથી ખેડૂતોએ તાત્કાલિક પાક વીમા અંગેનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાક વિમાની રકમ ચૂકવાય તે અંગેની માંગ સાથે ખેડૂતો જિલ્લા ખેતીવાડીની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે એક માસ પૂર્વે જિલ્લામાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને આધારે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ આ વિસ્તારના મહત્વના એવા મગફળી અને કપાસનું સમયસર વાવેતર કરી દીધુ હતુ. પરંતુ ત્યારબાદ એક વખત પણ વરસાદ નહિ વરસતા ખેતરોમાં ઉગેલા પાક મુરઝાવવા લાગ્યા છે. તો જિલ્લાના વનાણા તેમજ બરડા પંથકના 40થી વધુ ગામોમાં હજારો ખેડૂતોના પાકને પાણી નહિ મળતા પાક નિષ્ફળ નિવડ્યો છે, જેના કારણે ખેડૂતોએ પોતાના પાકને ઉપાડી લેવાની દયનીય સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લા બે ત્રણ વર્ષથી પોરબંદર જિલ્લામાં વરસાદનુ પ્રમાણ ઓછું રહેતા હાલમાં તળમાં પણ પાણી નહી હોવાથી ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે વરસાદ પર જ નિર્ભર બન્યા છે. ખેડૂતોએ મોંઘા બિયારણો અને ખાતર સહિતનો ખર્ચ કરીને વાવણી કર્યા બાદ પાક નિષ્ફળ નિવડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જેથી જે ખેડૂતોના પાક નિષ્ફળ નિવડ્યા છે તેઓને પાક વીમો મળી રહે તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરે તેવી માંગ સાથે બરડા પંથકના ખેડૂતો જિલ્લા ખેતીવાડી કચેરી પહોંચી રજૂઆત કરી હતી.


ફળોના ભાવમાં તોતિંગ વધારો : એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90-100% ભાવ વધ્યા


આ વિશે મોઢવાડા ગામના સરપંચ જયમલ મોઢવાડિયાએ કહ્યું કે, પોરબંદર જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે જિલ્લા જે પ્રથમ થોડો વરસાદ પડ્યો હતો, તે વરસાદના આધારે જિલ્લાના 90 ટકા ખેડૂતો મગફળી સહિતની વાવણી કરી હતી. ત્યારબાદ એક માસ વિતવા છતાં પણ વરસાદ નહિ થતા અનેક ખેડૂતોના પાક નિષ્ફળ નિવડ્યા છે. ખેતીવાડી અધિકારીને વહેલીતકે પાક વીમા માટેનુ સર્વે કાર્ય કરવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ખેતીવાડી અધિકારીએ એવુ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની જોગવાઈ મુજબ જે પાક વીમો મળવાપાત્ર થશે તેની જોગવાઈ છે તે મુજબ તમામ કાર્યવાહી અંગેનો રિપોર્ટ કરવા સહિતની તમામ કાર્યવાહી કરવામાં આવશે.


પોરબંદર જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષથી ઓછા વરસાદને કારણે ખેડૂતો સારા પાક લઈ શક્યા નથી. ત્યારે આ વર્ષે પણ આર્થિક પરિસ્થિતિ સારી નહી હોવા છતાં પણ મોંઘા બિયારણો અને ખાતર સહિતના ખર્ચ કરીને જે વાવણી કરી તે પણ વરસાદના અભાવે નિષ્ફળ નીવડતા આવા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે સરકાર દ્વારા વહેલીતકે નિષ્ફળ નિવડેલા ખેડૂતોનો સર્વે કરીને પાક વીમો મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવુ ખેડૂતો ઈચ્છી રહ્યા છે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :