ખળભળાટ! ગુજરાતની આ કોલેજ વિવાદમાં, હોસ્ટેલની કોઈ વિદ્યાર્થીની અંગે બિભત્સ વાત કરતા...
પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કે જ્યાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં કે જ્યાં વિદ્યાર્થીનીઓ રહે છે ત્યાંના કથિત વોર્ડનની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતા ભારે ચકચાર જોવા મળી રહી છે.
અજય શીલુ/પોરબંદર: રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓમાં અવાર નવાર વિવાદો સામે આવતા હોય છે. પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ પણ હાલ વિવાદમાં સપડાઇ છે. કોલેજ અંગેની વિવાદીત કથિત ઓડીયો ક્લિપને કારણે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ઓડિયો ક્લિપમાં વિદ્યાર્થીઓ અંગે બિભત્સ શબ્દોનો ઉચ્ચાર
પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કે જ્યાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં કે જ્યાં વિદ્યાર્થીનીઓ રહે છે ત્યાંના કથિત વોર્ડનની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ ઓડિયો ક્લિપમાં વોર્ડન જે રીતે વિદ્યાર્થીઓ અંગે બિભત્સ શબ્દોનો ઉચ્ચાર કરતી તેમજ ફોન કરનાર વ્યક્તિ સાથે અપશબ્દો બોલી રહી છે તે પ્રકારની કથિત વોર્ડનની ઓડિયો ક્લિપ મામલે પોરબંદર જિલ્લા એનએસયુઆઇ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોલેજની માન્યતા રદ કરવા માંગ
એનએસયુઆઇ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો સ્વામિનારાયણ નર્સિંગ કોલેજની હોસ્ટેલની બહાર પહોંચી સંચાલકો બહાર આવેદનપત્ર સ્વીકારે તે માટેની માંગણી કરી હતી. એનએસયુઆઇના જણાવ્યા અનુસાર સંચાલકો બહાર ન આવતા તેઓએ હોસ્ટેલના દરવાજા પાસે આવેદનપત્ર મુકી વિરોધ નોંધાવ્યો હતો. કોલેજની માન્યતા રદ કરવા તથા આ મામલે તપાસ કરી ગૃહમાતા સહિત જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા માટે એનએસયુઆઇ દ્વારા માંગ કરવામાં આવી હતી.
ઉપજાવી કાઢેલ મનઘડંત વાત છે: ભાનુપ્રકાશ સ્વામી
વોર્ડનની આ કથીત ઓડિયો ક્લિપમાં જે રીતે વોર્ડન હોસ્ટેલની કોઈ વિદ્યાર્થીની અંગે બિભત્સ વાત કરતી જોવા મળી રહી છે તથા ફોનમાં જે પણ વ્યક્તિ વાત કરે છે તેની સાથે અપશબ્દોનો ઉપયોગ થઇ રહ્યો છે આ સમગ્ર વિવાદ અંગે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુપ્રકાશ સ્વામીને પૂછતા તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આ તમામ આક્ષેપો ખોટા છે અને ઉપજાવી કાઢેલ મનઘડંત વાત છે. ફોન કરનાર શખ્સ દ્વારા બેથી ત્રણ વાર ફોન કરી મેડમને ઉશ્કેરવામાં આવ્યા છે જ્યારે મેડમને અમે પૂછ્યું ત્યારે જાણવા મળ્યું છે અને આ ઓડિયો ક્લિપ મેડમની જ છે જે તેણે પણ સ્વીકાર્યું છે જેથી તેઓને પણ આપણે કહેશુ કે શાંતી રાખે ઉતાવળુ ન થવું તેવું સમજાવીશું. સંસ્થાની પ્રગતિ જોઈ ન શકતા હોય તેમ સંસ્થાને બદનામ કરવાનો ઇરાદો હોય તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે તેમ તેઓએ જણાવ્યું હતું.
વિવાદીત બિભત્સ ચીઠ્ઠીને કારણે ભારે ચર્ચા
પોરબંદરમાં થોડા સમય પૂર્વે પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં વિવાદીત બિભત્સ ચીઠ્ઠીને કારણે ભારે ચર્ચા જાગી હતી ત્યાં હવે પોરબંદરના સ્વામિનારાયણ નર્સિંગ કોલેજની વિવાદીત ઓડિયો ક્લિપે ભારે ચર્ચા જગાવી છે ત્યારે આગળ આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ?