હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ બનાવાઈ રહી છે PPE કીટ
અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી માસ્ક બનાવવાની કામગીરી જેલના કેદીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, તાજેતરમાં જ પેરોલ પરથી જેલમાં પરત આવનાર કેદીઓમાં 7 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી માસ્ક બનાવવાની કામગીરી જેલના કેદીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, તાજેતરમાં જ પેરોલ પરથી જેલમાં પરત આવનાર કેદીઓમાં 7 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેને પગલે સજાગ જેલ તંત્ર દ્વારા હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE કીટ) જેલમાં જ બનાવવાનું શરૂ કરાયું છે અને PPE કીટ જેલ હોસ્પિટલમાં જ પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- સુરત: વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો
આ અંગે જેલ વિભાગના ફેક્ટરી મેનેજર એ.એસ પરમારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા રાજ્યની 28 જેલમાં આ PPE કીટ તમામ જેલ હોસ્પિટલમાં આપવામાં આવશે. મહત્વનું છે કે, લોકડાઉન સમયમાં બહારથી આવતા કેદીઓને જેલ સિપાહીઓ દ્વારા સારવાર અર્થે કે તપાસ માટે રોકી બાદમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:- કોરોનાકાળમાં અમદાવાદમાં ભેદી દુર્ગંધથી લોકો હેરાન પરેશાન, ભયનો માહોલ સર્જાયો
તેવામાં અન્ય કોઈ કેદીઓને કોરોનાનો ચેપ લાગે નહીં તે માટે આ તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથે જેલ બહાર ડિસઈન્ફેક્ટ ટનલ પણ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી જેલમાં દરજી વિભાગ દ્વારા દરરોજ 2 હજાર જેટલા માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે અને હાલ AMC કેમિશ્નર દ્વારા પણ આ કેદીઓના કામગીરીને બિરદાવતા 50 હજાર માસ્ક બનાવવા જેલ વિભાગે ઓર્ડર આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube