ગુજરાત કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થવા મુદ્દે પ્રગતિ આહીરે લખ્યો પત્ર, કહ્યું; `...તો રાજનીતિ છોડી દઈશ`
કોંગ્રેસ પક્ષની સાથે હું પુરેપૂરી વફાદાર રહી છું, કોંગ્રેસ પાર્ટી મારી જોડે ન્યાય કરે. મને અપમાનિત કરવામાં આવી છે, કોગ્રેસ પક્ષની નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તા રૂપ અડગ અને ઉભી રહી છું. પ્રગતિ આહીરે વધુમાં જણાવ્યું કે, તપાસ કરવામાં આવે અને મારા વિરુદ્ધ કોઈ સબુત મળે તો હું રાજનીતિ છોડી દઈશ.
Pragati Ahir: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના આરોપમાં મહિલા સેવાદળના અધ્યક્ષા પ્રગતિ આહીરને કોંગ્રેસે પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થવાની વાત મુદ્દે પ્રગતિ આહીરે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાની વેદના વર્ણવી છે.
મહિલા સેવાદળના અધ્યક્ષા પ્રગતિ આહીરે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષની સાથે હું પુરેપૂરી વફાદાર રહી છું, કોંગ્રેસ પાર્ટી મારી જોડે ન્યાય કરે. મને અપમાનિત કરવામાં આવી છે, કોગ્રેસ પક્ષની નિષ્ઠાવાન અને વફાદાર કાર્યકર્તા રૂપ અડગ અને ઉભી રહી છું. પ્રગતિ આહીરે વધુમાં જણાવ્યું કે, તપાસ કરવામાં આવે અને મારા વિરુદ્ધ કોઈ સબુત મળે તો હું રાજનીતિ છોડી દઈશ.
પત્રમાં પ્રગતિ આહિરે લખ્યું છે કે, મને કહેવામાં આવ્યું છે કે કોઈ ભૂલ થઇ છે, સત્ય શોધક સમિતિના અધ્યક્ષને પણ આ બાબતની જાણકારી નથી, પક્ષ માટે ઘણી લાકડીઓ ખાધી છે, રાષ્ટ્રીય અધ્યક્ષને વિનંતી કોંગ્રેસ પક્ષ મારી સાથે ન્યાય કરે, મને વગર જાણ કરે અપમાનિત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે.
કોંગ્રેસના સસ્પેન્ડ મહિલા નેતા પ્રગતિ આહિરે એઆઇસીસી અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ન કરી હોવાનો દાવો કર્યો છે. પક્ષ દ્વારા સસ્પેન્ડ કર્યાનો કોઇ પત્ર કે સસ્પેન્ડ કરતાં પહેલાં કોઇ નોટીસ ન મળ્યાની વાત કરી છે. વિધાનસભા ચુંટણી દરમિયાન પક્ષ માટે નિષ્ઠાથી કામ કર્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ટીવી ચેનલ ડીબેટમાં કોંગ્રેસનો મજબૂતાઇથી પક્ષ રાખ્યાનો દાવો પણ કર્યો છે. તેમ છતાં કોંગ્રેસે પોતાની સાથે અન્યાય થયો હોઇ ન્યાય કરવા માંગ કરી છે. પ્રગતિ આહિરે રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, રધુ શર્મા, જગદીશ ઠાકોર અને અમિત ચાવડાને પણ પત્રની નકલ મોકલી આપી છે.
કોણ છે પ્રગતિ આહીર?
પ્રગતિ આહિરે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિયનની કારકિર્દીને છોડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. પ્રગતિ આહિર ટીવી ડિબેટમાં મજબૂતી સાથે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ મૂકતા હતા. ચૂંટણીમાં પણ પ્રગતિ આહિર સક્રિય રહ્યા હતા. પ્રગતિ આહિરે જ્યારે અભિનયની દુનિયા છોડી ત્યારે તેમણે 15થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ હતું. વર્ષ 2019માં પ્રગતિ આહીર રાજકારણ સાથે જોડાયા હતા. પ્રગતિ આહિરે રુરલ સ્ટડીઝમાં બેચલર ડિગ્રી મેળવી હતી.