PSM@100: ગુજરાતમાં અહીં રંગબેરંગી ફૂલછોડ `નહીં દેખા તો કુછ નહીં દેખા`! કેટલાંય ફૂલો તો જોવા મળવાં તે એક લહાવો!
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અત્યંત સુંદર જયોતિ ઉદ્યાન ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર, પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિથી લઇને કળશ, ગ્લો ગાર્ડન, અક્ષરધામ તેમજ બાળનગરી અને યજ્ઞશાળા અને ભજનાનંદમાં અલગ અલગ પ્રકારનાં ફૂલો જે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
અમદાવાદ: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો દેશના પીએમ મોદી તથા મહંત સ્વામીના હસ્તે ભવ્યાતિભવ્ય શુભારંભ કરાવવામાં આવ્યો છે. વિશ્વની નજર હાલ જેના પર છે એવા અમદાવાદના આંગણે સતત 30 દિવસ સુધી યોજાનારા આ રૂ઼ડા મહોત્સવની ઉજવણી થઇ રહી છે. તેમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કેટલીક એવી અવનવી વાતો રસપ્રદ છે અને તમારા નોલેજમાં વધારો કરે તેવી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અત્યંત સુંદર જયોતિ ઉદ્યાન ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર, પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિથી લઇને કળશ, ગ્લો ગાર્ડન, અક્ષરધામ તેમજ બાળનગરી અને યજ્ઞશાળા અને ભજનાનંદમાં અલગ અલગ પ્રકારનાં ફૂલો જે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આમાં કેટલાંય ફૂલો તો ગુજરાતમાં જોવા મળવાં તે એક લહાવો છે.
નગરમાં કુલ 7 એકરમાં લેન્ડસ્કેપ
- 1200 ડમ્પર વાવેતરની માટીનું પુરાણકામ
- 125 વિવિધ પ્રજાતિના છોડ- ઝાડનું વાવેતર
- 250 વિવિધ રંગોવાળા છોડ- ઝાડનું વાવેતર
- 10,35,108 કુલ છોડ
- સતત 8 મહિના- 400 સ્વયંસેવકોની સેવા (આશરે 8,19,200 માનવ કલાક)
- સતત 4 મહિના- 200 મહિલા સ્વયંસેવકોની સેવા (આશરે 1,92,000 માનવ કલાક)
લેન્ડસ્કેપ વિભાગની પૂર્વ તૈયારી
પીટુનિયાના 12,000 તગારા સમાવવા બીજા નેટ હોઉસની જરૂરિયાત ઉભી થઇ. ટ્રેઇલિંગ પીટુનિયાના તગારા ઊંચાઈ પર રાખવા જરૂરી હોય છે. પીટુનિયાના 12,000 તગારા સમાવવા 30,000 સ્કેવેર ફુટના બે નેટ હાઉસમાં 2 લેયર બનાવવા જરૂરી હતા. તેથી એક નવું નેટ હાઉસ બનાવવા મનસુખભાઇ પોકળે તેમના ફાર્મમાંથી લાકડાની વળીઓ સેવામાં આપી અને ગ્રાઉન્ડ લેયર માટે હરિભક્ત શ્રી ત્રિકમભાઈએ પોતાની બાંધકામની સાઈટ પરથી 13,000 સિમેન્ટ બ્લોક સેવામાં આપ્યા.
બીજા નેટહાઉસમાં સેકન્ડ લેયર બનાવવા બારેજા ગામના હિરેનભાઈ હસમુખભાઈ પટેલે પોતાના ખેતરમાં ઉભેલી 1000 નીલગીરીની વળીઓ સેવામાં આપી. આ નીલગીરીની વળીઓ કાપવા સ્વયંસેવકો જાતે તેમના ખેતરમાં જતા. ચોમાસાનો સમય હોવાથી ખેતરમાં એક-એક ફૂટ પાણી ભરેલા છતાં સ્વયંસેવકોએ ગમ બુટ પહેરી આ સેવા કરેલી.
તગારામાં ભરવા માટેના ખાતર અને માટીનું મિક્ષર બનાવવા માટે કોંક્રીટ બનાવવા માટેના મિક્ષર મશીનનો ઉપયોગ કરી, પાંચ પ્રકારના ખાતરને પ્રમાણસર મિક્ષર મશીનમાં મિક્સ કરી 12,000 તગારા ભર્યા.
પીટુનિયાના 12,000 તગારા જુદી જુદી 8 સાઈઝમાં છે. જેમાં 13”,14”,15”,16”,18”,20”,22”, 24” નો સમાવેશ થાય છે.
જેમ જેમ પુણેથી પીટુનિયાના છોડ આવતા ગયા તેમ તેમ તે છોડને તગારામાં રોપી, છોડના કલર અને તગારાંની સાઈઝ પ્રમાણે નેટ હાઉસમાં તગારા ગોઠવવામાં આવ્યા. સાથે સાથે છોડને ખાતર પાણી આપવા ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ ગોઠવવામાં આવી.
વિશિષ્ટ છોડ (ગ્રાઉન્ડ પીટુનિયા)
▪ પીટુનિયા દક્ષિણ અમેરિકાના એમેઝોનના જંગલોનો છોડ છે. પીટુનિયા તેના બહુ રંગીન ફૂલોને કારણે પ્રખ્યાત છે. પીટુનિયા આપણે લાલ, સફેદ, ગુલાબી, જાંબલી, આછો વાદળી, પીળો અને લગભગ તમામ રંગોમાં જોઈ શકીએ છીએ. જો ઉગાડવાનું યોગ્ય વાતાવરણ મળે, તો પીટુનિયા છોડ 6 થી 8 અઠવાડિયામાં ફૂલની કળીઓ ઉત્પન્ન કરે છે. પીટુનિયાને બહાર વાવવામાં આવે તે પહેલાં તેને ગ્રીનહાઉસમાં ઉગાડવામાં 15 થી 20 દિવસ લાગે છે.
▪ સૌ પ્રથમ ગ્રાઉન્ડ પીટુનિયાના બીજનો ઉછેર પુણે ખાતે નર્સરીમાં કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેને ટ્રેમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. છોડનો વિકાસ પૂરતો થાય ત્યાર બાદ અને ગ્રાઉન્ડ પર જરૂરિયાત ઉભી થાય તે મુજબ આપણે તેને નગરની નર્સરીમાં લાવીએ છીએ અને તેને અમદાવાદની આબોહવાની અનુકૂળતા થાય તે મુજબ 2 દિવસ નર્સરીમાં રાખવામાં આવે છે. ત્યારબાદ છોડની પરિસ્થિતિ પ્રમાણે તેને જરૂરીયાત મુજબ ફૂગનાશક અને જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે. અંતમાં તેને નગરની લેન્ડસ્કેપ ડિઝાઇન અને કલર મુજબ અલગ કરવામાં આવે છે અને જે તે ચોક્કસ સ્થળ ઉપર લઇ જવામાં આવે છે. ત્યાં સુધીમાં નગરમાં જ્યાં જે તે કલરના પીટુનિયા વાવવાના હોય ત્યાં માર્કિંગ થયેલું હોય છે અને જમીનની તૈયારી પણ ખાતર અને લેવલિંગ કરીને કરવામાં આવી હોય છે. ત્યારબાદ તેને જમીનમાં રોપવામાં આવે છે. ત્તેની સારી વૃદ્ધિ થાય તે માટે રોપાણીના 10 દિવસ પછી પાંદડા પિંચિંગ કરવામાં આવે છે.
ટ્રેઇલિંગ પીટુનિયા
▪ આ છોડ 3 થી 4 ફૂટ સુધી ફેલાય છે. તેઓ એક સુંદર, રંગબેરંગી ગ્રાઉન્ડ કવર બનાવે છે. તેને વિન્ડો બોક્સ અથવા લટકતા બાસ્કેટમાં વાપરી શકાય છે. આપણા નગરમાં આકર્ષણ જમાવનાર આ છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેઇલિંગ પીટુનિયા 3 થી 4 મહિનામાં પૂર્ણ વિકાસ પામે છે.
▪ પીટુનિયાને ટપક સિંચાઈ પદ્ધતિથી નર્સરીમાં પાણી આપવામાં આવે છે. સિંચાઈ પદ્ધતિમાં પીસી ડ્રિપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 35,000 લિટરની 2 પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીની સાથે ખાતર પૂરુ પાડવામાં આવે છે. પીટુનિયામાં વિકસતા ફૂલોને મહિલા સ્વયંસેવિકાઓ દ્વારા પીંચિંગ (ચૂંટવામાં) કરવામાં આવે છે.
▪ સૌ પ્રથમ ટ્રેઇલિંગ પીટુનિયાના બીજનો ઉછેર પુણે ખાતે નર્સરીમાં કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેને ટ્રેમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. છોડ નો વિકાસ પૂરતો થાય ત્યાર બાદ તેને નગરની નર્સરીમાં લાવવામાં આવે છે. જેમ જેમ છોડ મોટો થાય તેમ તેમ તેને ટ્રેમાંથી તગારામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. છોડના પૂર્ણ વિકાસ માટે તેને જરૂરિયાત મુજબ દવા, ખાતર અને પાણી આપવામાં આવે છે.
▪ તેની સારી વૃદ્ધિ થાય તે માટે રોપણીના 10 દિવસ પછી પાંદાડા પિંચિંગ કરવામાં આવે છે. છોડની પરિસ્થિતિ પ્રમાણે જરૂરીયાત મુજબ ફૂગનાશક અને જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે. છોડમાં મહોત્સવના સમય દરમિયાન પૂર્ણ ફૂલો આવે તે માટે નિયમિત રીતે છોડના ફૂલોને ચૂંટવામાં આવે છે. અંતિમ તબક્કામાં તેને નગરમાં લઇ જઈ, જે તે ચોક્કસ જગ્યા ઉપર લટકાવવામાં આવે છે.
ક્રિસેન્થીમમ- સેવંતી- ચંદ્રમલ્લિકા
▪ ક્રિસેન્થીમમ મૂળ પૂર્વ એશિયા અને ઉત્તરપૂર્વીય યુરોપના છોડ છે. મોટાભાગની પ્રજાતિઓ પૂર્વ એશિયામાંથી ઉદભવે છે અને તેની વિવિધતાનું કેન્દ્ર ચીનમાં છે. ક્રિસેન્થીમમના છોડ 5 થી 6 મહિનામાં પૂર્ણ વિકાસ પામે છે.
▪ સૌ પ્રથમ ક્રિસેન્થીમમના બીજનો ઉછેર પુણે ખાતે નર્સરીમાં કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેને ટ્રેમાં ટ્રાન્સપ્લાન્ટિંગ કરવામાં આવે છે. છોડના વિકાસ માટે તેના પાંદડાનું પિંચિંગ કરવામાં આવે છે તેમજ ચોમાસામાં સમયે સમયે વોશિંગ કરવામાં આવે છે. છોડનો વિકાસ પૂરતો થાય ત્યાર બાદ તેને નગરની નર્સરીમાં લાવવામાં આવે છે. જેમ જેમ છોડ મોટો થાય તેમ તેમ તેને ટ્રેમાંથી કુંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. છોડના પૂર્ણ વિકાસ માટે તેને જરૂરિયાત મુજબ દવા, ખાતર અને પાણી આપવામાં આવે છે. તદુપરાંત, આ છોડ માટે 2000 બલ્બનો ઉપયોગ કરી તેને વિશેષ Daylight આપી તેની વૃદ્ધિ કરવામાં આવે છે.
વિક્ટોરિયા લીલી (વિક્ટોરિયા એમેઝોનિકા)
▪ વિક્ટોરિયા લીલીના છોડમાં 3 મીટર (10 ફૂટ) વ્યાસ સુધીના ખૂબ મોટા પાંદડા હોય છે, જે ડૂબી ગયેલી દાંડી પર પાણીની સપાટી પર તરતા હોય છે, જે દાંડીની 7-8 મીટર (23-26 ફૂટ) લંબાઈ હોય છે. જે લીલા એનાકોન્ડા જેવી લાગે છે અને સાપ તેના રહેઠાણ માટે પસંદ કરે છે. તે વિશ્વની બીજી સૌથી મોટી વોટરલીલી છે. તેનું મૂળ વતન એમેઝોન નદીના તટપ્રદેશના છીછરા પાણીમાં છે.
▪ આ પાંદડા ખરેખર મજબૂત હોય છે અને નાના માણસનું વજન સરળતાથી ખમી શકે છે (લગભગ 65 પાઉન્ડ- 30 કિગ્રા સુધી). લીલીઓ સુંદર અને નાજુક લાગે છે કારણ કે તેઓ પાણીની સપાટી પર રહે છે, પરંતુ તેમના પાંદડાની નીચેની બાજુએ તીક્ષ્ણ કાંટા (સ્પાઇક્સ) છે જે તેમને શાકાહારી માછલીઓથી રક્ષણ આપે છે. વિક્ટોરિયા લીલી 4 મહિના કે તેથી વધુ સમયમાં પૂર્ણ વિકાસ પામે છે.
▪ સૌ પ્રથમ વિક્ટોરિયા લીલીના બીજનો ઉછેર પુણે ખાતે કાદવવાળા પાણીમાં કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ સમયને ધ્યાનમાં લઈને નગરમાં લાવવામાં આવે છે. તેના બીજને કાદવવાળા પાણીના બેસિનમાં રોપવામાં આવે છે. નગરના પોન્ડમાં પાણીનું સ્તર 1 ફૂટ રહે તેમ તેને રાખવામાં આવે છે.
▪ વિક્ટોરિયા લીલીના છોડના પોન્ડના પાણીનું તાપમાન 26-32* સેલ્સિયસ રાખવામાં આવે છે.
પેન્સી
▪ પેન્સી (વાયોલા × વિટ્રોકિયાના) એ બગીચાના ફૂલ તરીકે ઉગાડવામાં આવતા મોટા ફૂલોવાળા સંકર છોડનો એક પ્રકાર છે. પેન્સીઝમાં હૃદયના આકારની, ઓવરલેપિંગ પાંખડીઓ હોય છે, જે તેજસ્વી, સુંદર રંગો અને પેટર્નની વિવિધતામાં જોવા મળે છે. જ્યારે ઠંડી ઋતુના અન્ય ફૂલો સાથે વાવેતર કરવામાં આવે ત્યારે અન્ય ફૂલો પણ સુંદર લાગે છે. પેન્સીનો ઇતિહાસ તેના પૂર્વજ વાયોલા સાથે કાયમ માટે જોડાયેલો છે.
વાયોલા એ 500 પ્રજાતિઓ ધરાવતી મોટી જીનસ છે. પૂર્વે ચોથી સદીમાં ગ્રીસમાં વસતા લોકો માટે વાયોલા પરિચિત હતા. વાયોલાનું મૂળ કેન્દ્ર યુરોપ હતું. સખત પરંતુ નાજુક વાયોલાની ખેતી ગ્રીક લોકો દ્વારા હર્બલ ઔષધીય ઉપયોગ માટે કરવામાં આવી હતી. છેલ્લા 50 વર્ષોમાં મોટાભાગની નવીન પેન્સીનું સંવર્ધન જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાનમાં થયું છે.