આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું! પ્રમુખસ્વામીની બાયપાસ સર્જરી દરમિયાન ડોક્ટરોને પણ થયો હતો દિવ્યતાનો આભાસ!
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી ડૉ. તેજસ પટેલ અને તેમની ટીમે દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ડોક્ટર આજદિન સુધી બાપાની તે યાદો ભૂલ્યા નથી. તેઓએ જણાવ્યું કે, અમે ઘણા મોટા અને મહત્વના અનેક લોકોની સારવાર કરી છે
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: ગુજરાતના ઓગણજમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રમુખસ્વામી સાથે જોડાયેલા કેટલાંક ગૂંઢ રહસ્યો હવે બહાર આવી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરવામાં આવી ત્યારે શું થયું હતું? તે ડોક્ટરે પોતાનો અનુભવ શેર કર્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી ડૉ. તેજસ પટેલ અને તેમની ટીમે દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ડોક્ટર આજદિન સુધી બાપાની તે યાદો ભૂલ્યા નથી. તેઓએ જણાવ્યું કે, અમે ઘણા મોટા અને મહત્વના અનેક લોકોની સારવાર કરી છે, પરંતુ 'સ્વામીજી' તેમનામાં આદર્શ અને દિવ્ય વ્યક્તિત્વ હતા. જેમની સારવાર કરવાનું અમને સૌભાગ્ય મળ્યું. આમ તો અમે દરેક દર્દી સાજા થાય એવી જ અનુકંપાથી સર્જરી અને સારવાર કરીએ છીએ. પરંતુ, એક વખત ધર્મગુરુ પ્રમુખસ્વામી પર હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરી રહ્યો હતો. ઓપરેશન દરમિયાન જ્યારે એમનું હૃદય મારા હાથમાં લીધું એ વખતે મને અત્યંત સુખદ અને અદ્રિતીય અનુભૂતિ થતાં હું તો પુલકિત બની જ ગયો, પરંતુ સમગ્ર ઓપરેશન થિયેટરમાં પણ કોઇ દૈદીપ્યમાન દિવ્યતા અવતરી હોય તેમ લાગતું હતું.
જાણો ડોક્ટરે શું કહ્યું?
પ્રમુખ સ્વામીજીની સારવાર કરનારા ડોક્ટરે જણાવ્યું હતું કે તેઓ બાળપણથી જ તેમને અવારનવાર મળતા હતા. હું 10માં ધોરણમાં હતો ત્યારે જે પ્રેમ હતો તે છેલ્લા દિવસો સુધી રહ્યો. પ્રમુખ સ્વામીને ડોકટરોમાં અતૂટ વિશ્વાસ હતો. જ્યારે તેમની બાયપાસ સર્જરી કરાવવાની હતી ત્યારે બધા જ તણાવમાં હતા, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ એકલા જ ચિંતામુક્ત હતા. અમેરિકાના રોબિન્સવિલેમાં જ્યારે અક્ષરધામનો શિલાન્યાસ થવાનો હતો ત્યારે તેમને ત્યાં લઈ જવાનો એક મોટો પડકાર હતો. પણ સ્વામીજીએ ભક્તોને વચન આપ્યું હતું. એટલે નિભાવવું તો પડે જ. સ્વામીજીને ત્યાં લઈ જવાનો એક મોટો પડકાર અને જોખમ હતું, તેમ છતાં આ પડકાર સ્વીકારી લીધો.
જાણે પ્રમુખ સ્વામી મહારાજને પીડાનો કોઇ અહેસાસ જ ન હોય! એટલું જ નહીં તે પછી તાત્કાલિક બાયપાસ સર્જરી કરવાના નિર્ણયની તેઓને જાણ કરવામાં આવી ત્યારે હાથમાંની માળા ફેરવતાં સ્વામીજી તો ‘જેવી ભગવાનની ઇચ્છા’ તેમ કહી બે કલાક ઘસઘસાટ ઊંઘી ગયા. પ્રમુખ સ્વામીની આવી તિતિક્ષાનો આધ્યાત્મિક ગુણ જોઇ ડોક્ટરોની ટીમ અચંબો જ પામી ગઇ. એટલું જ નહીં શારીરિક વેદના સહન કરતાં પણ સતત સ્વામીનારાયણ મંત્રનો અનિમેશ જપ કરતા. મહારાજના સાત દિવસના હોસ્પિટલના નિવાસ દરમિયાન અમેરિકન સ્ટાફને આ ભારતીય ધર્મગુરુની હાજરીથી અપૂર્વ આકર્ષણ અને દિવ્યતાનો અનુભવ થતો રહ્યો.
મહોત્સવમાં લાખો લોકો લઈ રહ્યા છે ભાગ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દેશભરમાંથી લાખો ભક્તો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ બુધવારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પણ અહીં હાજર હતા. આ ઉપરાંત ગુજરાતના અનેક પ્રખ્યાત ઉદ્યોગપતિઓ પણ ભાગ લીધો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં મુખ્ય સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે.