કોરોનામાં બેરોજગાર બનેલા ફોટોગ્રાફરનુ કારસ્તાન, પ્રિએક્ટિવ કાર્ડનું કૌભાંડ કર્યું
- પોલીસે વીઆઈપી કંપનીના 17 પ્રિએક્ટીવ સીમકાર્ડ, મોબાઈલ ફોન મળી કુલ રૂ.10,850 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો
- આશિષની એસઓજીએ પુછપરછ કરતા તેણે આર્થિક સ્થિતિ સારી ન હોઈ આસાનીથી પૈસા કમાવવા માટે આ રસ્તો અપનાવ્યાની કબૂલાત કરી
ચેતન પટેલ/સુરત :સુરત એસઓજી પોલીસે પ્રિ એક્ટિવ કાર્ડનું કૌભાંડ ઝડપી પાડી સોશિયલ મીડિયા થકી ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. માસ્ટર માઈન્ડ આરોપી હાલ કોરોનાકાળમાં પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોઈ આસાનીથી પૈસા કમાવવા માટે ટેલીગ્રામમાં જાહેરાત મૂકી ઓરિસ્સાથી પ્રિએક્ટીવ સીમકાર્ડ રૂ.120 માં મંગાવી રૂ.500 માં વેચતો હતો.
સુરત એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક યુવક પ્રિ એક્ટિવ સીમકાર્ડ વેચી કૌભાંડ આચરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજી પોલીસે ખરવર નગર-ઉધના ઓવરબ્રિજ પાસેથી આશિષ જશવંતભાઈ માટલીવાળાને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે વીઆઈપી કંપનીના 17 પ્રિએક્ટીવ સીમકાર્ડ, મોબાઈલ ફોન મળી કુલ રૂ.10,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ પણ વાંચો : ગુજરાતના વઢવાણમાંથી મળી દેશની સૌથી લાંબી ‘રૂપસુંદરી’
ફોટોગ્રાફર તરીકે કામ કરતા આશિષની એસઓજીએ પુછપરછ કરતા તેણે આર્થિક સ્થિતિ સારી ન હોઈ આસાનીથી પૈસા કમાવવા માટે આ રસ્તો અપનાવ્યાની કબૂલાત કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, તે ટેલીગ્રામમાં ‘ઇન્ડિયન ઓટીપી ગ્રુપ’ માં સામેલ છે. તેણે આ ગ્રુપમાં ‘પ્રિએક્ટીવ સીમકાર્ડ જોઈએ છે’ તેવી પોસ્ટ મૂકી હતી. પોતાની ઓળખ ઓરિસ્સાના વતની તરીકે આપનાર વિજયે જવાબ આપ્યો હતો કે, તે અન્યોના આધારકાર્ડ-ફોટાનો ઉપયોગ કરી વીઆઈ કંપનીની સીમકાર્ડ એક્ટીવ કરવાની એપમાં અપલોડ કરી તે વ્યક્તિની જાણ બહાર સીમકાર્ડ એક્ટીવ કરાવે છે. આથી આશિષે તેની પાસે 17 પ્રિએક્ટીવ સીમકાર્ડ મંગાવતા વિજયે એક સીમકાર્ડ દીઠ રૂ.120 ની માંગણી કરતા આશિષે પેટીએમ મારફતે બે ભાગમાં પેમેન્ટ મોકલ્યું હતું. વિજયે કુરિયર મારફતે 17 પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલતા આશિષ તેને રૂ.500 માં વેચતો હતો. એસઓજીએ આ અંગે ઉધના પોલીસ મથકમાં આશિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.