ઝી મીડિયા, બનાસકાંઠા: એક માતાના ઉદરમાંથી બાળકને જન્મ અપાવી તેનુ આ પૃથ્વી ઉપર અવતરણ કરાવીએ છીએ ત્યારે તેની માતા અને પરિવારજનો એ રડતાં બાળકનો પ્રથમ વખત ચહેરો જોઇને હર્ષના આંસુ સારે છે. ત્યારે મને મારી ફરજ પ્રત્યે ખુબ જ માન થઇ આવે છે કે, ઇશ્વર જે બાળકને બનાવે છે તેને પૃથ્વી ઉપર અવતરવાનું કામ મને સોંપ્યું છે. આ શબ્દો છે. ખેડૂત પુત્રી અને પાલનપુર તાલુકાના ગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિચારિકા મધુબેન ચૌધરીના કે જેઓએ બનાસકાંઠામાં સૌથી વધુ 1349 બાળકોની કુદરતી પ્રસૂતિ કરાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢપંથકમાં વસવાટ કરતાં ગરીબ પરિવારો માટે મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગઢ પેટાકેન્દ્ર- 1માં ફરજ બજાવતાં ખેડૂત પુત્રી ફિમેલ હેલ્થ વર્કર મધુબેન રામજીભાઇ ચૌધરી દેવદૂત સમાન બની ગયા છે. વડગામ તાલુકાના નળાસર ગામના ખેડૂત રામજીભાઇ અને જીવતબેનના ત્રણ દીકરી અને બે દિકરા પૈકીના મધુબેને નાનપણથી લોકસેવા કરવાનો મનમાં નિર્ણય લીધો હતો. પિતાજીએ ઉચ્ચ અભ્યાસ કરાવી તેમનું સપનું પૂર્ણ કર્યુ. મધુબેને જણાવ્યું હતુ કે, ગઢમાં મારૂ પોસ્ટીંગ થયું ત્યારે જાણ્યું કે, ગરીબ પરિવારો ખાનગી હોસ્પિટલોમાં પ્રસુતિમાં લુંટાઇ રહ્યા છે. આથી એન્ટીનેટલ માતાઓની મુલાકાતો શરૂ કરી તેમને સરકારી દવાખાને વિનામૂલ્યે પ્રસુતિ માટે સમજાવ્યા પરિણામ એ મળ્યું કે, સાત વર્ષમાં મારા હાથે 1349 બાળકોનો કુદરતી જન્મ કરાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પ્રસુતિ કરાવ્યાનો મને આનંદ છે. જે બદલ સામાજીક સંસ્થા દ્વારા મારૂ સન્માન પણ કરવામાં આવ્યું છે.


એક પણ બાળ- માતા મરણ નથી થયું
મધુબેનના લગ્ન વડગામના ચંગવાડા ગામે એન્જીનીયર ભરતભાઇ સાથે થયા છે. તેમને એક પુત્રી ધ્રીતી છે. તેમના પતિ પણ ડિલિવરી વખતે તેમજ ઘરકામમાં મદદ કરે છે. ગરીબજનોની સેવા માટે તેમણે ગઢને કર્મભૂમી બનાવી પરિવાર સાથે ત્યાંજ રહેવા આવી ગયા છે. અત્યાર સુધીમાં 1349 પ્રસુતિઓ કરાવી છે. જેમાં એકપણ બાળક કે માતાનું મોત નથી થયું જે ઇશ્વરના મોટા આર્શિવાદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.


લોકડાઉનમાં ખાનગી તબીબે ઓપરેશન કરવા કહ્યું, નોર્મલ ડિલેવરી કરાવી
ગત વર્ષે લોકડાઉનમાં એક ગરીબ પરિવારની પ્રસુતાને ખાનગી તબીબે જો તાત્કાલિક ઓપરેશન નહિ કરાય તો માતા મોતને ભેટશે એમ કહેતાં ઓપરેશનના પૈસા ન હોઈ તેઓ મધુબેન પાસે આવ્યા હતા. અને કોઈપણ ભોગે જીવ બચાવવા કાલા વાલા કરવા લાગ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં પણ મધુબેને નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.