રાષ્ટ્રપતિ કોવિંદે જગત મંદિરમાં માથુ ટેકવ્યુ, પરિવાર સાથે પૂજા કરી
president kovind in Dwarka : રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી
- આજે પોરબંદરના માધવપુર ધેડમાં યોજાતા કૃષ્ણ લગ્નમહોત્સવમાં હાજરી આપશે
ઝી મીડિયા/બ્યૂરો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ નવમીના પાવન પર્વે દ્વારકા જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના સહ પરિવાર સાથે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જગત મંદિર પરિસરમાં રાષ્ટ્રપતિને દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ વતી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, ધનરાજ નથવાણી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ આવકાર્યા હતા. ત્યાર બાદ જગત મંદિર ખાતે પૂજારી દીપકભાઈ, હેમલભાઈ તથા મુરલીભાઈએ રાષ્ટ્રપતિને ભગવાન દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરાવ્યું હતું.
રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. તેમજ રામનવમીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
મંદિર પરિસરમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટર નંદિની ભટાચાર્યએ રાષ્ટ્રપતિ, રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઇતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી. જેને રાષ્ટ્રપતિએ ખૂબ જ રસપૂર્વક સાંભળી જરૂરી વિગતો મેળવી હતી.
ઉલ્લેખનીય છે, રાષ્ટ્રપતિ કોવિંદ આજે પોરબંદરના માધવપુર ધેડમાં યોજાતા કૃષ્ણ લગ્નમહોત્સવમાં હાજરી આપશે. ભગવાન માધવરાયના વિવાહ મહોત્સવને લઇને માધવપુર સહિત સમગ્ર પોરબંદર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિવાહ મહોત્સવને લઇને સમગ્ર માધવપુર અને આ માધવપુર મેળામાં આવનાર સૌ કોઇ માધવમય બની આ પૌરાણિક વિવાહ ઉત્સવ તેમજ મેળાને ઉત્સાહ સાથે માણશે.