આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
31મીએ સવારે 7.45 કલાકે કેવડિયા જવા ગાંધીનગર સચિવાલય હેલિપેડથી રવાના થશે. સવારે 9.00 કલાકે કેવડિયા પહોંચશે, જ્યાં રેલી ઓફ ફ્લાવર્સ કાર્યક્રમમાં જોડાશે.
અમદાવાદ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી બે દિવસ ની મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદીનું મંગળવારે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે અને પીએમ સીધા રાજભવન જશે. પીએમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટથી રાજભવન સુધી પોલીસ દ્વારા રીહર્સલ કરવામાં આવ્યો હતો. એસપીજી, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કવોડ અને ટ્રાફિક પોલીસ ગ્રાંડ રીહર્સલમાં જોડાઈ હતી.
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો, વડાપ્રધાન આજે રાત્રે 8.15 વાગ્યે દિલ્હીથી નીકળશે અને રાત્રે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. 31મીએ સવારે 7.45 કલાકે કેવડિયા જવા ગાંધીનગર સચિવાલય હેલિપેડથી રવાના થશે. સવારે 9.00 કલાકે કેવડિયા પહોંચશે, જ્યાં રેલી ઓફ ફ્લાવર્સ કાર્યક્રમમાં જોડાશે.
9થી 9.30 વાગ્યા સુધી રેલી ઓફ ફ્લાવર્સ ચાલશે. બાદમાં 9.35એ વડાપ્રધાન ટેન્ટસિટી પહોંચશે. 10.00 વાગ્યે વડાપ્રધાન કાર્યક્રમ સ્થળે પહોંચશે, જ્યાં 2 કલાક સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો કાર્યક્રમ ચાલશે. પછી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાન વડોદરા જશે. ત્યારબાદ બપોરે 1થી 1.15 કલાકે વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.