અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગૃહરાજ્ય ગુજરાતની  એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન  વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ સાથે રહેશે. વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ નવી દિલ્હીથી સવારે10.15  કલાકે  વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી 10.50 કલાકે વલસાડ પહોંચીને 11.00 કલાકે જૂજવા ગામ પહોંચશે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. 1727 કરોડના ખર્ચે નિર્માણ પામેલ  1,151551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ 5000 મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણના સ્કીલ સર્ટિફિકેટ તેમજ નિમણૂંકપત્રોનું વિતરણ કરશે. વલસાડના ધરમપુર કપરાડાના અંતરિયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની રૂ. 586 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ પણ તેઓ કરશે અને જાહેર સભાને સંબોધન કરશે.


વડાપ્રધાન  વલસાડથી બપોરે 12.30 કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને 2.25 વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ રૂ. 275 કરોડના ખર્ચે નવનિર્મિત  300 બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજના  ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાહેર સભા સંબોધશે.


વડાપ્રધાન  એક જ દિવસમાં  જૂનાગઢમાં રૂ. 450 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન  સંપન્ન કરવાના છે.ત્યાર બાદ તેઓ સાંજે 6.00 કલાકે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે.  વડાપ્રધાન  ત્યાર બાદ સાંજે 7.30 વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક પૂર્ણ થયે 8.30 કલાકે અમદાવાદ જવા રવાના થશે. તેઓ રાત્રે 9.00 વાગ્યે અમદાવાદ હવાઈ મથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી પરત જશે. સોમનાથ ટ્રસ્ટના તેઓ એક ટ્રસ્ટી છે.આ બેઠકમાં તમામ સાત ટ્રસ્ટીઓ ભાગ લેશે જેમાં કેશુભાઈ પટેલ, લાલકૃષ્ણ અડવાણી, હર્ષવર્ધન નેવતિયા અને જે ડી પરમાર સામેલ છે.  


વડાપ્રધાનનો કાર્યક્રમ
- રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. 1727 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 1,15,551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવશે 
- વલસાડના ધરમપુર કપરાડાના અંતરિયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની રૂ. 586 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત 
- મુખ્યમંત્રી ગ્રામોદય યોજના હેઠળ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા 5000 મહિલાઓનું ઉદ્યોગ સાથે જોડાણ : દિન દયાલ ઉપાધ્યાય કૌશલ્ય યોજનાના તાલીમાર્થીઓને કૌશલ્ય પ્રમાણપત્રનું વિતરણ  
- જૂનાગઢમાં રૂ. 450 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન કરશે
- ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને વડાપ્રધાન ના હસ્તે પદવી અને મેડલ્સ એનાયત કરાશે