હવે ગુજરાતી નહીં ભણાવતી ખાનગી શાળાઓને થશે દંડ? સરકાર આ માટે લાવશે કાયદો
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત રીતે ભણાવવાની જાહેરાત સરકાર પહેલાં જ કરી ચૂકી છે. જો કે હવે સરકાર આ બાબતે કાયદો અમલી બનાવવા જઈ રહી છે.
ઝી બ્યૂરો અમદાવાદઃ શાળાઓમાં ફરજિયાત રીતે ગુજરાતી ભાષા ભણાવવા માટે રાજ્ય સરકાર કાયદાનો સહારો લેવા જઈ રહી છે. સરકાર આ કાયદા માટેનું બિલ વિધાનસભામાં રજૂ કરશે. જેમાં કાયદાનો ભંગ કરનાર શાળાઓને દંડની જોગવાઈ પણ છે. તો બીજી તરફ શાળા સંચાલકો ટ્યુશન પ્રથા સામે મેદાને પડ્યાં છે.
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત રીતે ભણાવવાની જાહેરાત સરકાર પહેલાં જ કરી ચૂકી છે. જો કે હવે સરકાર આ બાબતે કાયદો અમલી બનાવવા જઈ રહી છે. જો કોઈ પ્રાથમિક શાળા ગુજરાતી વિષય નહીં ભણાવતી હોય તો તેને દંડ ફટકારવાની કાયદામાં જોગવાઈ છે. રાજ્ય સરકાર મંગળવારે આ બિલ વિધાનસભામાં રજૂ કરશે.
બિલની જોગવાઈઓ પર નજર કરીએ તો, ધોરણ 1થી 8 સુધી શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવી પડશે. પહેલી વખત કાયદાનો ભંગ કરનાર શાળાને 50 હજાર રૂપિયાનો દંડ થશે. બીજી વખત કાયદાનો ભંગ કરનાર શાળાને એક લાખ રૂપિયાનો દંડ થશે. ત્રીજી વખત કાયદાનો ભંગ કરનાર શાળાને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ શાળા ત્રણથી વધુ વખત કાયદાનો ભંગ કરશે તો સંસ્થાની માન્યતા રદ કરવામાં આવશે. એટલે કે હવે ખાનગી શાળાઓને ગુજરાતી ભાષા ભણાવવાની ફરજ પડશે.
આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતની 28 જેટલી નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાના આરે, કરોડો રૂપિયાનું બિલ બાકી
એક તરફ જ્યાં રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા મક્કમ છે, તો બીજી તરફ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે GTU પોતાનાં વિદ્યાર્થીઓને એન્જીનિયરિંગનો અભ્યાસ ગુજરાતી ભાષામાં કરાવવા મક્કમ છે. ડિપ્લોમા અને એન્જીનીયરીંગના 20 પુસ્તકોનાં ગુજરાતીમાં ભાષાંતરનું કામ GTUએ પૂર્ણ કર્યું છે. આ વખતે પ્રથમ વર્ષના પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે.
એક તરફ જ્યાં રાજ્ય સરકારે ગુજરાતી ભાષા ન ભણાવતી શાળાઓ સામે એક્શન લેવાની કાયદાકીય તૈયારી કરી છે, ત્યાં શાળા સંચાલક મહામંડળે પણ પોતાની એક માગ સાથે સરકાર સમક્ષ ધામા નાંખ્યા છે. શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યમાં ચાલતા ખાનગી ટ્યુશન બંધ કરાવવાની માગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે શાળાના સમયે ટ્યુશન ધમધમે છે. વિદ્યાર્થીઓ શાળાના બદલે ટ્યુશનમાં જતા હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે. શાળાના શિક્ષક ખાનગી ટ્યુશન ન કરી શકે તે જોગવાઈનું ઉલ્લંઘન થતું હોવાની પણ સરકારને રજૂઆત કરાઈ છે. સત્તાધીશોની નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને કારણે ટ્યુશન કલાસનો વ્યાપ વધ્યો હોવાનો પણ શાળા સંચાલકોનો આક્ષેપ છે. જેને જોતાં ટ્યુશન કલાસ બંધ કરાવવા કે પછી શાળાનાં સમયે ક્લાસ ન ચાલવા દેવા મુખ્યમંત્રીને અપીલ કરાઈ છે.
આ પણ વાંચોઃ એક દિવસ હું વિમાન ઉડાવીશ મમ્મી, કાચા મકાનમાં રહેતી ઉર્વશી દુબે બની પાયલટ
શાળા સંચાલકોની માગ છે કે આ નિયમનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ કે રેવન્યુ અધિકારીને સોંપવામાં આવે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ બાબતે શું નિર્ણય લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube