વી.એસ. હોસ્પિટલમાં બાઉન્સરોની દાદાગીરી, મીડિયાકર્મિઓ સાથે ધક્કામુક્કી કરી
વી.એસ.હોસ્પિટલમાં બાઉન્સર્સની દાદાગીરીના અનેક કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે.
અમદાવાદઃ શહેરની વી.એસ.હોસ્પિટલમાં બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે. હોસ્પિટલના તબીબોને મળવા જતા મીડિયાકર્મીને બાઉન્સર્સે અટકાવ્યા હતાં. મામલો વધુ વકરતા મીડિયાકર્મીઓ સાથે બાઉન્સર્સે ધક્કામુક્કી કરી હતી અને કેમેરા બંધ કરાવ્યા હતાં. જેથી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વી.એસ.હોસ્પિટલમાં બાઉન્સર્સની દાદાગીરીના અનેક કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે દર્દીઓ પણ આ અંગે ફરિયાદ કરતા હોય છે પરંતુ આ વખતે તો બાઉન્સર્સે મીડિયાકર્મી સાથે જ ઉધ્ધતાઈભર્યું વર્તન કર્યું છે. આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. અને ઘટનાને વખોડી કાઢી હતી. સોમવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ઉખેડવાની તૈયારી દર્શાવી હતી. તો બીજી તરફ બાઉન્સર્સની સુરક્ષા એજન્સીના લીગલ ઓફિસરે આ ઘટના બદલ માફી માગી હતી.