ગૌરવ પટેલ/અમદાવાદ: ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે નવરાત્રિમાં અનેક મોટા નેતાઓ આવવાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો, તેવી જ રીતે ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવે એ પ્રકારનું આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રામાં સમય આપી રહ્યા છે, ત્યારે પ્રિયંકા ગાંધી આગામી ચૂંટણીને લઈને ગુજરાત મુલાકાતે આવવાના છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રિમાં પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વડોદરા અને આણંદના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. 


26મી સપ્ટેમ્બરખથી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે પ્રિયંકા ગાંધી આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ લગભગ નક્કી માનવામાં આવે છે. કેમકે કોંગ્રેસ દ્વારા તેમના કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ શો કરશે. તેમજ અમદાવાદમાં ગરબામાં હાજરી આપશે.


પ્રિયંકા ગાંધીના પ્રવાસ મુદ્દે ભરતસિંહ સોલંકીનુ નિવેદન
પ્રિયંકા ગાંધીના પ્રવાસ મુદ્દે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રવાસ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. નવરાત્રીનો સમય છે, જેથી તેઓ ગરબામાં ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 2007 માં મધ્ય ગુજરાતમાં મહિલા સંમેલન કર્યું હતું તેનો લાભ કોંગ્રેસને મળ્યો હતો. ભારત જોડો યાત્રા જ્યારે ગુજરાત નજીકથી પસાર થશે ત્યારે ગુજરાતની પ્રજાનો આશીર્વાદ યાત્રાને મળશે.


તેમણે ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીની નિતિ અને નિયતિના કારણે દેશ વિખેરાઇ રહ્યો છે. દેશમાં આર્થિક અસમાનતાના કારણે વિસંગતતાઓ વધી રહી છે. મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દો રહેલા છે જેનાથી ભારત તૂટી રહ્યું છે. દેશમાં સમાજ સમાજ વચ્ચે  ધ્રુવીકરણ વધી રહ્યું છે. દેશમાં ભયંકર રીતે રાજનીતિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. આ યાત્રા શાંતિ સદભાવનાની યાત્રા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube