પદ્માવતનો વિરોધ બન્યો હિંસક, ગાંધીનગરમાં સળગાવાઈ એસટી બસ
ગાંધીનગરની બાલવા ચોકડી નજીક એસટી બસ સળગાવીને પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મને રીલિઝની મંજુરી આપ્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરની બાલવા ચોકડી નજીક એસટી બસ સળગાવીને પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. કરણી સેના દ્વારા ક્યાંક હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જાહેર સંપતિને નુકશાન કરવામાં આવે છે.
ફિલ્મની રીલિઝ અટકાવવા માટે કરણી સેના અને ક્ષત્રિય સમાજના લોકોએ ગાંધીનગરની બાલવા ચોકજી નજીક પદ્માવત ફિલ્મના વિરોધમાં એસટી બસને આગ ચાંપવામાં આવી હતી. પહેલા બસમાં પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યાર બાદ બસને આગને હવાલે કરી દેવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા લોકોને બચાવ થયો હતો. ત્યારે રાજ્યમાં તમામ જગ્યાએ આ રીતે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને સરકાર ખૂબ કડક પગલા લે તે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કરણી સેના દ્વારા જામનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યના અનેક ભાગોમાં પદ્માવત ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.