• કોરોના પોઝિટિવ દર્દીના આપઘાત બાદ તંત્ર જાગ્યું, સમરસ કોવિડ હોસ્પિટલમાં રક્ષણાત્મક જાળી નખાઈ

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સંવેદનશીલતા - માત્ર આપઘાત જ નહીં પણ ફાયર સેફ્ટીમાં પણ આવશે કામ


ગૌરવ દવે/રાજકોટ :કોરોનાનો મૃત્યુદર માત્ર બે થી ત્રણ ટકાનો જ હોવા છતાં કોરોનાના દર્દીઓ હતાશાનો શિકાર બની રહ્યાં છે. ને આવામાં ન કરવાનું કરી બેસતા હોય છે, ત્યારે રાજકોટના કોરોનાના દર્દીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યરત કરાયેલી નવ માળની સમરસ હોસ્પિટલમાં હતાશાનો ભોગ બનેલ દર્દી દુર્ઘટના ન આચરી બેસે તે માટે રક્ષણાત્મક જાળી બેસાડવામાં આવી છે.


કોરોનાની નિરાશાનો ભોગ બનેલ એક મહિલા દર્દીએ તાજેતરમાં સમરસ કોવિડ હોસ્પિટલમાં મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. અફસોસજનક પગલાં બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહને અન્ય દર્દીઓ આવી હતાશાનો શિકાર બનીને કોઇ અવિચારી કૃત્ય ન કરી બેસે તે માટે સમગ્ર પરિસરની આજુબાજુ સંરક્ષણાત્મક જાળી નાખવાના આદેશો કર્યા છે. જે મુજબ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિતિશ કામદારના માર્ગદર્શનમાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં પહેલા તથા ચોથા માળે તાત્કાલિક અસરથી જાળી ફીટ કરી દેવામાં આવી છે. સમરસ હોસ્પિટલના નોડલ ઓફિસર ચરણસિંહ ગોહિલે જાતે દેખ-રેખ રાખીને જાળી લગાવવાનું આ કામ યુધ્ધના ધોરણે પાર પાડયું છે. આ જાળીથી દુર્ઘટના બનતી અટકશે, ઉપરાંત, ફાયર સેફટીમાં પણ આ જાળી મહત્વની પુરવાર થશે.


જિલ્લા વહીવટીતંત્રના માનવીય અભિગમનો આ ઉત્તમ નમૂનો છે, જેમાં કોરોનાના દર્દીઓનો  ઝીણવટભર્યો ખ્યાલ રાખીને તેમને પુનઃ સ્વસ્થ થવા માટે સહ્રદયતાથી મદદ કરવામાં આવે છે.