• અમિતા જોશીએ પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો

  • અમિતા જોશીએ પોતાની એનિવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી હતી


ચેતન પટેલ/સુરત :થોડા દિવસો અગાઉ સુરતના ઉઘના વિસ્તારના મહિલા પીએસઆઈ અમિતા જોશીએ પોતાની એનિવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી હતી. પીએસઆઈ અમિતા જોશીએ 5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. સમગ્ર કેસમાં તપાસ કરતા તેમના કોન્સ્ટેબલ પતિના આડાસંબંધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટીશર્ટ ફાટેલું હોવાની આંશકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. ત્યારે આજે આ કેસમાં કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓ ભાવનગર-ગારિયાધારથી ઝડપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતા જોશીનો પતિ અને સાસરિયા તમામને ભાવનગરથી ઝડપી પડાયા છે. અમિતા જોશીએ પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો. તેઓએ પોતાના પેટમાં ગોળી ધરબીને જીવન ટૂંકાવ્યું હતું. પતિ સહિત સાસરિયાંના 5 સભ્યની ગારિયાધાર અને ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આરોપીઓને સુરત લાવવા રવાના થઈ હતી. 



પીએસઆઇ અમિતા જોશીના પિતા બાબુભાઈ શાંતિલાલ જોશી ફરિયાદમાં લખાવ્યું છે કે, મારી દીકરી અમિતાની 2011માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી. 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તળાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જિતુ ઉર્ફે જિતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા. વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 3 એપ્રિલ 2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ જૈમિન છે. અમિતાની સુરત બદલી થતાં તે ફાલસાવાડીમાં ક્વાર્ટર્સમાં રહેતી હતી. ત્યારે તેના સસરા જીતેશ, સાસુ હર્ષાબેન, નણંદ અંકિતા ધવન મહેતા અને મનીષા હરદેવ ભટ્ટ અમિતાને ત્યાં આવ્યાં હતાં. તેનાં સાસુ-સસરા-નણંદ સુરતથી જતાં ત્યારે જૈમિનને સાથે લઈ જતાં હતાં. અમિતા ફોન પર મારી બીજી દીકરી કાજલને વૈભવના બહારના આડાસંબંધો અને સાસરિયાં તેના આખા પગારની માગણી કરતાં હોઈ અને જૈમિનને પણ પોતાની સાથે ન રાખતા હોય એવી વાતો કરતી હતી. મારી દીકરીએ પોતાના નામે ફ્લેટ તેમજ બ્રિઝા કાર ખરીદી કરેલી એ બાબતે પણ સાસુ-સસરા, નણંદ તથા વૈભવ વારંવાર ‘કેમ તે તારા નામે આ બધું કરી લીધું છે, વૈભવના નામે કેમ કાંઈ નથી લેતી’ એમ કહી હેરાન કરતાં હતાં. 



તેમણે સાસરિયા પર આરોપ મૂકતા કહ્યું કે, વૈભવના આડાસંબંધોને કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલાં મારી દીકરી કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે તેમજ જૈમિનને રાજકોટ મૂકી જા અને મારી પણ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી. મહિધરપુરા પોલીસમાં અમિતાએ આપઘાત કર્યાની જાણ થઈ હતી. ગોળી વાગી મોત થવું અને જિતુભાઈએ મને જાણ કરેલી તેના પરથી ફલિત થાય છે કે વૈભવની હાજરી સુરતમાં હોય એવી મને શંકા છે. મારી દીકરીએ પહેરેલું ટીશર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું. એ ટીશર્ટ પહેલાં અગાઉના દિવસે મારી દીકરી કાજલ સાથે વીડિયો કોલમાં એક્સરસાઇઝ કરતી હતી, ત્યારે ફાટેલું જણાયું ન હતું. અમારા કુટુંબમાં એ બાબતે શંકા છે કે અમિતાએ આત્મહત્યા કરી નથી, પરંતુ આનું મોત થયેલું કે કરાવેલું છે એવી શંકા છે.