અમદાવાદ : હાલમાં કોરોનાને કારણે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લગાવાયેલા લોકડાઉનને 28મો દિવસ છે. ગુજરાતમાં કોરોના પર કાબુ હોવાનાં તંત્રના દાવા વચ્ચે સ્થિતી દિવસે દિવસે હાથમાંથી જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત મૃત્યુઆંક અને કોરોનાના દર્દી બંન્ને મુદ્દે સમગ્ર દેશમાં ટોપ 5 રાજ્યોમાં આવે છે. ત્યારે કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સ એટલે કે પોલીસ અને ડોક્ટરમાં પણ ફેલાઇ રહ્યો હોવાનાં કારણે ન માત્ર તંત્ર પરંતુ કામ કરી રહેલા સ્ટાફમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમદાવાદનાં નરોડા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફનાં ફરજ બજાવતા ધુમકેતુ ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી એકવાર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. જો કે ધુમકેતુનાં પિતા જાણીતા ફિલ્મ ડાયરેક્ટર આત્મારામ ઠાકોર છે. જેના પગલે તેને પણ ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આત્મારામ ઠાકોર જેના પણ સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને પણ ક્વોરન્ટિન થવા માટે જણાવાયું છે.


રાજ્યનાં કોરોના સામે લડી રહેલા તંત્રમાં ફ્રન્ટલાઇનર્સમાં કોરોનાના કેસ વધતા આજે અમદાવાદ પોલીસ દ્વારા કન્ટ્રોલ રૂમ, સીસીટીવી કન્ટ્રોલ રૂમ, ટ્રાફીક કન્ટ્રોલ રૂમ, કોમ્પ્યુટર બ્રાન્ચ સહિતનાં કુલ 36 સ્ટાફ મેમ્બર્સનાં રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસ બેડામાં હાશકારો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કન્ટ્રોલ રૂમ તે પોલીસ તંત્રની આંખ ગણવામાં આવે છે. આવી સ્થિતીમાં આંખો સુરક્ષીત રહે તે ખુબ જ જરૂરી છે.