પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાધનપુરના ભિલોટમાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોને અપશબ્દો બોલવાની બાબતે સજૉયેલ માથાકૂટમાં ઉશ્કેરાયેલા ઈસમે ગુપ્તિ વડે હિચકારો હુમલો કરી એક વ્યક્તિની હત્યા થતાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. તો આ મામલે રાધનપુર પોલીસે હત્યારાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, દિલ્હી ખાતે રહેતા નારણભાઇ દેવજીભાઈ વણકર તથા તેમના 4 ભાઈઓ રાધનપુર તાલુકાના ભીલોટ ગામે ભત્રીજીના લગ્ન પ્રસંગે આવ્યા હતા. ત્યારે આ લગ્ન પ્રસંગમાં ઘરે જાન આવેલ હોવાથી મહેમાનો આવ્યા હતા, ત્યારે શંકરભાઇ મણિલાલ વણકર કોઈ વાતને લઇ જાહેરમાં બીભત્સ અપશબ્દો બોલતા હોવાથી રમેશભાઈએ શંકરભાઈને મહેમાનોને અપશબ્દો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો.


જોતજોતામાં ઉગ્ર બોલચાલી થતા શંકરભાઈ વણકરે પોતાના પાસેની ગુપ્તિ કમરના ભાગેથી કાઢી રમેશભાઈના પગના ભાગે મારી આરપાર કરી દીધી હતી. જેને લઇ રમેશભાઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અને તેમના શરીર માંથી ખૂબ જ લોહી વહેવા લાગતા આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્ત બનેલા રમેશભાઈને તાત્કાલિક સારવાર અર્થ રાધનપુર સિવિલ અને ત્યાંથી ધારપુર સિવિલ ખાતે ખસેડાયા હતા. 


પરંતુ હાલત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવતાં ઊંઝા અને મહેસાણા વચ્ચે જ રસ્તામાં જ રમેશભાઈનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે શંકરભાઈ મણિલાલ વણકર હાલ રહે. દિલ્લી મૂળ રહે. સાંથલી વાળા સામે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.