હવે ગુજરાતના ખેડૂતો વિશ્વભરમાંથી માહિતી મેળવશે, જૂનાગઢ કૃષિ યુનિ.માં રેડિયો મોબાઈલ એપ શરૂ થઈ
- સમગ્ર વિશ્વમાં કૃષિ સબંધિત માહિતી ખેડૂતો મેળવી શકે તેવી એપ લોન્ચ કરવામાં આવી
- જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની માન્યતા સાથે આધુનિક રેડિયો સ્ટેશન કાર્યરત છે
સાગર ઠાકર/જૂનાગઢ :કૃષિ યુનિના કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ખાતે જૂનાગઢ જનવાણી એપ શરૂ કરાઈ છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને 6 વર્ષ પૂર્ણ થતાં નવી મોબાઈલ એપ શરૂ કરાઈ છે. હવે વિશ્વના કોઈપણ ખૂણેથી કૃષિ સબંધિત માહિતી એપ મારફત સાંભળી શકાશે. કૃષિ યુનિ. ના રેડિયો સ્ટેશનથી અત્યાર સુધી 12 થી 15 કી.મી. સુધી પ્રસારણ થતું હતું. હવે મોબાઈલ એપના માધ્યમથી સમગ્ર વિશ્વમાં કૃષિ માહિતી ખેડૂતો મેળવી શકશે.
જૂનાગઢ કૃષિ યુનિ. સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ખાતે જૂનાગઢ જનવાણી નામથી રેડિયો મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને 6 વર્ષ પૂર્ણ થતાં નવી મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે. જેને લઈને હવે વિશ્વના કોઈપણ ખૂણેથી કૃષિ સબંધિત માહિતી રેડિયો એપના માધ્યમથી સાંભળી શકાશે. કૃષિ યુનિ. ખાતેના રેડિયો સ્ટેશનથી અત્યાર સુધી આસપાસના 12 થી 15 કિમી.ની ત્રિજ્યામાં પ્રસારણ થઈ શકતું હતું. જેનો અંદાજે 60 ગામોને લાભ મળતો હતો. પરંતુ હવે મોબાઈલ એપના માધ્યમથી સમગ્ર વિશ્વમાં કૃષિ સબંધિત માહિતી ખેડૂતો મેળવી શકે તેવી એપ લોન્ચ કરવામાં આવી છે.
રેડિયો કમ્યુનિકેશન એ માનવ અને માનવ સમાજની લાક્ષણિકતા અને જરૂરિયાત છે અને માનવ સમાજના ઉત્થાનમાં તેનો મહત્વનો ફાળો રહ્યો છે. આધુનિક યુગમાં ઈ ટેકનોલોજીનો વિકાસ થયો. રેડિયો દ્વારા વિશ્વમાં સંદેશા વ્યવહારની ક્રાંતિ થઈ અને આજે રેડિયોએ એફએમ રેડિયોનું સ્વરૂપ લીધું છે. રેડિયો દ્વારા જ્ઞાન અને માહિતીની આપલે વધુ સરળ બની છે. તેના માટે ભારત સરકારે કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને મહત્વ આપ્યું. પરિણામે આજે દેશમાં 200 જેટલા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન કાર્યરત છે. રેડિયો દ્વારા વિવિધતા સભર કાર્યક્રમો રસપ્રદ શૈલીમાં રજૂ કરવામાં આવે છે. તેથી લોકોને તે પસંદ પડે છે.
સામાન્ય રીતે આપણે જે રેડિયો સ્ટેશન સાંભળતા હોઈએ છીએ તે કોમર્શીયલ રેડિયો સ્ટેશન હોય છે. જ્યારે કૃષિ યુનિ, કે પછી શૈક્ષણિક સંસ્થાઓ કે એન.જી.ઓ દ્વારા ચલાવાતા રેડિયો સ્ટેશનનો કોમર્શિયલ હેતુ નથી હોતો, તેનો હેતુ શૈક્ષણિક હોય છે. જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે 23 જૂન 2015 ના રોજ રેડિયો સ્ટેશન કાર્યરત થયું હતું. જેમાં ખેડૂતો માટે કૃષિ સંલગ્ન માહિતી પ્રસારીત કરવામાં આવે છે. આ સ્ટેશન આસપાસના 12 થી 15 કિમી.ની ત્રિજ્યામાં અંદાજે 60 ગામોમાં સાંભળી શકાતું હતું. પરંતુ હવે તેનો વ્યાપ વધ્યો છે અને વિશ્વના કોઈપણ ખૂણેથી મોબાઈલ એપના માધ્યમથી ખેડૂતો કૃષિ સબંધિત માહિતી સાંભળી શકશે.
જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયની માન્યતા સાથે આધુનિક રેડિયો સ્ટેશન કાર્યરત છે. આધુનિક ઉપકરણોથી સુસજ્જ આ સ્ટુડિયો છે. જેમાં કાર્યક્રમ માટેના સ્ટેજ, રેકોર્ડીંગ માટેના આધુનિક ઉપકરણો, લાઈટીંગ વગેરે સુવિધાઓ છે. આ રેડિયો સ્ટેશનનો માત્ર શૈક્ષણિક હેતુ હોય, ખેડુત અને ખેડૂત મહિલાઓ ઉપયોગી કૃષિ, પશુપાલન, વિજ્ઞાન, ઈતિહાસ, ધર્મ, સાંસ્કૃતિક મુલ્યો, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, આરોગ્ય, ખોરાક સબંધિત માહિતીનું પ્રસારણ કરવામાં આવે છે. જૂનાગઢ જનવાણી મોબાઈલ રેડિયો એપ દેવદત્ત ભટ્ટ દ્વારા નિર્મિત કરવામાં આવી અને આ એપ તેઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીને ભેંટ આપેલી છે.