રાહુલ ગુજરાતમાં વિધાનસભાની જેમ ચૂંટણી પ્રચાર કરશે, બહેન પ્રિયંકા આપશે સાથ
લોકસભા ચૂંટણીને લઇને બંને પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવવાના છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરશે.
અમદાવાદ :લોકસભા ચૂંટણીને લઇને બંને પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવવાના છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરશે.
તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અંબાજી મંદિર ખાતે દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પણ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા અને વિવાદ પણ થયો હતો. વિધાનસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ ગુજરાતના મોટાભાગના મંદિરોના દર્શન કર્યા હતા, જેને લઇને ભાજપે ટીકા પણ કરી હતી.
રાહુલ ગાંધી આવતીકાલે 15 એપ્રિલથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા જઈ રહ્યાં છે. 15 એપ્રિલના રોજ મહુવાના બદલે હવે અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં જાહેર સભા યોજશે. લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે. ગુજરાત સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરે દર્શન કરીને પ્રચારના શરુઆત કરશે. તો મહામંત્રી પ્રિયંકા ગાંધી અંબાજી મંદિર ખાતે દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરુઆત કરશે. ત્યારબાદ 18 અને 20 એપ્રિલના રોજ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવશે. 18 એપ્રિલે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સભા ગજવશે તથા 20 એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા કરશે.
ગુજરાતમાં કોણ કોણ પ્રચાર કરશે
ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર કરશે. કોંગ્રસના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં મનમોહનસિંહ, હાર્દિક પટેલ, શત્રુઘ્ન સિંહા, ઉર્મિલા માતોડકર, અશોક ગેહલોત, રાજીવ સાતવ, સહિતના 40 જેટલા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે.
કોંગ્રેસના મંદિર પ્રવાસ પર ભાજપનો પ્રહાર
લોકસભા ઈલેક્શન સમયે પણ રાહુલ અને પ્રિયંકાના સંભવિત મંદિર દર્શનને લઇને સોફ્ટ હિન્દુત્વના સવાલો ઉભા થયા છે. જેને લઇને ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુરે નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો કે ભાજપ સંસ્કૃતિમાં માને છે અને ભાજપના લીધે અન્ય લોકો પણ સંસ્કૃતિમાં માનવા લાગે તો એનાથી સારુ શું હોઇ શકે. પણ આ ફક્ત ચૂંટણી સુધી મર્યાદિત ન રહેવું જોઇએ. ફક્ત ચૂંટણીના સમયે મંદિરોમાં જવું એ સંસ્કૃતિ નથી.