Loksabha Election 2024: દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનારી પાર્ટીની એક દિવસ આટલી ખરાબ દશા થશે તેવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય...એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. પરંતુ લાચાર અને બિચારી થઈ ગયેલી કોંગ્રેસ હાથમાં હાથ નાંખીને બેસી જ ગઈ છે.  કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવા દેશના ખૂણે ખૂણે ફરી રહ્યા છે. ગુજરાત પણ આવવાના છે, પરંતુ તેઓ આવે તે પહેલા જ કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. સૌરાષ્ટ્રના વધુ ત્રણ દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને આવજો કહી કેસરિયો ખેસ ધારણ કરી લીધો ત્યારે જુઓ લોકસભા પહેલા કોંગ્રેસમાં કકળાટ અને ભાજપમાં ભરતીમેળાનો આ અહેવાલ...


  • કોંગ્રેસમાં કકળાટ, ભાજપમાં ભરતીમેળો 

  • 17માંથી 14 પર આવી ગઈ કોંગ્રેસ પાર્ટી 

  • ચિરાગ પટેલથી અર્જૂન મોઢવાડિયા સુધી 

  • 2022 બાદ 3 કોંગ્રેસ ધારાસભ્યએ છોડી કોંગ્રેસ 

  • કોંગ્રેસની આવી ખરાબ દશા કેમ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ એક સમયે દેશમાં જેની ગર્જના થતી હતી, દેશના જન જન સુધી જેની નામના હતી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી જેના સિંહાસન મઢાયેલા હતા, તે કોંગ્રેસ પાર્ટીની આવી દયનીય સ્થિતિ થશે તેની કોઈએ કલ્પના કરી હતી?. જે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત પ્રદર્શન કરશે તેવી આશાઓ હતી તે જ સૌરાષ્ટ્રના દિગ્ગજ કહેવાતા આ ત્રણેય નેતાએ કોંગ્રેસને રામ રામ કહી દીધા. મોઢવાડિયાએ કોંગ્રેસમાં 40 વર્ષ આપ્યા. ધારાસભ્યની સાથે સાથે વિધાનસભામાં વિપક્ષ નેતાથી લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રહ્યા. પરંતુ એવું તો શું થયું કે મોટા ગજના આ નેતાએ કોંગ્રેસ આવજો કહી દીધું? તો આહીર સમાજના અગ્રણી અને કોંગ્રેસમાં ધારાસભ્ય રહેલા અંબરિશ ડેર અને લોકસભા ચૂંટણી લડેલા મુળુ કંડોરિયાએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું.


ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસને દિવસે બગડતી જાય છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. મોઢવાડિયા અને ડેર બન્નેએ ભાજપમાં જોડાયા તેની સાથે જ ભાજપના ગુણગાન તો ગાયા જ, પરંતુ એવા પણ આક્ષેપ કર્યા કે, પહેલા જે રાજકીય પાર્ટીમાં હતા ત્યાં પ્રજાના કામ થઈ શક્તા ન હતા. સાંભળો કેસરિયો કર્યા બાદ શું બોલ્યા અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર?....


કોંગ્રેસના આ બન્ને નેતાઓના રામ રામથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ખાસ સૌરાષ્ટ્રમાં આ બન્ને નેતાઓ જવાથી કોંગ્રેસને કરવું તો શું કરવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી જોઈએ તો, ભાજપે OBC વોટબેંક પર મોટી તરાપ મારી છે. સૌરાષ્ટ્રમાં આહીર સમાજ બહોળી સંખ્યામાં છે. ખાસ જામનગર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં મોટી સંખ્યા છે. આ સિવાય મોઢવાડિયા જે સમાજમાંથી આવે છે તે મેર સમાજની સંખ્યા ખાસ પોરબંદરમાં સૌથી વધુ છે. પોરબંદરમાં અત્યાર સુધી મેર સમાજનો ભાજપ પાસે બાબુ બોખીરિયા સિવાય કોઈ મોટો નેતા ન હતો. પરંતુ મોઢવાડિયા આવવાથી ભાજપને આ સમાજનો સૌથી મોટો ફાયદો મળશે. 


ભાજપને શું થશે લાભ? 


  • ભાજપે OBC વોટબેંક પર મોટી તરાપ મારી

  • સૌરાષ્ટ્રમાં આહીર સમાજ બહોળી સંખ્યામાં

  • જામનગર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં મોટી સંખ્યામાં આહીર વસતી

  • મોઢવાડિયા જે સમાજમાંથી આવે છે તે મેર સમાજ પોરબંદરમાં સૌથી વધુ

  • મેર સમાજનો ભાજપ પાસે બાબુ બોખીરિયા સિવાય કોઈ મોટો નેતા નોહતો

  • મોઢવાડિયા આવવાથી ભાજપને મેર સમાજનો સૌથી મોટો ફાયદો મળશે


હવે ગુજરાત વિધાનસભાની સ્થિતિ પણ તમે જાણી લો 2022ની ચૂંટણીમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, 3 અપક્ષ અને એક બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી. પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો, ભાજપ પાસે 156, કોંગ્રેસ પાસે 14, આપ પાસે 4, અપક્ષની 2 અને એક બેઠક સમાજવાદી પાર્ટી પાસે છે. કુલ 5 ધારાસભ્યએ રાજીનામા આપ્યા છે. જેના કારણે આ પાંચ બેઠક પર પેટા ચૂંટણી આવશે. અત્યાર સુધી કયા કયા ધારાસભ્યએ રાજીનામા આપ્યા તે પણ તમે જાણી લો, તો પોરબંદરથી કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા, વાઘોડિયાથી અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વીસાવદરથી આપના ભૂપત ભાયાણી, વીજાપુરથી કોંગ્રેસના સી.જે.ચાવડા અને ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ કેસરી ખેસ પણ પહેરી લીધો છે....આ સિવાય પૂર્વ સાંસદ નારણ રાઠવા, સંગ્રામ રાઠવા, ચિરાગ કાલરિયા, ઘનશ્યામ ગઢવી, બળવંત ગઢવી, જોઈતા પટેલ સહિતના નેતાઓએ પણ કોંગ્રેસ છોડી છે. આ મોટા નેતાઓની સાથે હજારોની સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પણ પોતાની જૂની પાર્ટી છોડી નવી પાર્ટીમાં પદાર્પણ કર્યું છે. 


2022નું ચૂંટણી પરિણામ 


  • ભાજપ-156

  • કોંગ્રેસ-17

  • AAP-5

  • અપક્ષ-3

  • SP-1


2024ની સ્થિતિ 


  • ભાજપ-156

  • કોંગ્રેસ-14

  • AAP-4

  • અપક્ષ-2

  • SP-1

  • ખાલી બેઠક-5


કયા MLAએ આપ્યા રાજીનામા? 


  • પોરબંદરથી કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા

  • વાઘોડિયાથી અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા

  • વીસાવદરથી AAPના ભૂપત ભાયાણી

  • વીજાપુરથી કોંગ્રેસના સી.જે.ચાવડા

  • ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ


કોણે કોણે છોડ્યું કોંગ્રેસ? 


  • પૂર્વ સાંસદ નારણ રાઠવા

  • સંગ્રામ રાઠવા

  • ચિરાગ કાલરિયા

  • ઘનશ્યામ ગઢવી

  • બળવંત ગઢવી

  • જોઈતા પટેલ 


હજુ પણ અનેક નેતાઓ કોંગ્રેસ છોડે તેવી પુરેપુરી સંભાવના છે. વિધાનસભામાંથી પણ વિકેટો પડે તેવી શક્યતા છે. પરંતુ કઈ વિકેટ પડશે તેના નામ માટે રાહ જોવી પડશે, પરંતુ પડશે તે નક્કી છે. એક સમયે ભાજપના પરંતુ બાદમાં કોંગ્રેસમાં જોડાયેલા ગાંધીવાદી કનુ કલસરિયા ફરી કેસરિયો કરે તો નવાઈ નહીં...હવે જોવાનું રહેશે કે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસને વધુ કયો ઝટકો લાગે છે....