ઓક્ટોબરમાં રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોંગ્રેસના નેતાઓને આપશે ટ્રેનિંગ
રાહુલ ગાંધી 26 સપ્ટેમ્બરે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.
હિતેન વિઠલાણી/નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ હાલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં વ્યસ્ત છે. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસને જે સફળતા મળી ત્યારબાદ રાહુલ ગાંધી ગુજરાત પર પણ ઘણું ધ્યાન આપી રહ્યાં છે. આ માટે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ઓક્ટોબરમાં ગુજરાત આવશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્યો અને વરિષ્ઠ નેતાઓને સંગઠન મજબૂત કરવા માટે ટ્રેનિંગ આપશે.
કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સભ્યોને ટ્રેનિંગ આપતા પહેલા રાહુલ ગાંધી 26 સપ્ટેમ્બરે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓ સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરશે. આ માટે કોંગ્રેસે ચૂંટણી જાહેર થાય તે પહેલા 26 લોકસભા સીટના ઉમેદવારોની પસંદગી કરીને પોતાના લોકસભા વિસ્તારમાં મહેનત કરે તે માટેનું આહ્વાન કરવામાં આવશે.
આ સાથે પાર્ટીમાં જે કાર્યકરોએ સારી કામગીરી કરી છે તેનું 26 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીના હસ્તે સન્માન કરવામાં આવશે. રાહુલ ગાંધી આ સન્માન કરીને કાર્યકર્તાઓનું મનોબળ વધારવા ઈચ્છે છે. જેથી કાર્યકર્તાઓનું મનોબળ ઉંચુ આવે અને તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે.
ગુજરાત માટે ખાસ રણનીતિ અને બાકીના રાજ્યોમાં મહાગઠબંધનના માધ્યમથી ભાજપ અને પીએમ મોદીને ઘેરવાનો પ્લાન રાહુલ ગાંધીએ બનાવ્યો છે. પરંતુ જોવાનું તે છે કે ટિકિટ વહેંચણી સમયે પાર્ટીમાં કોઈ વિવાદ ન થાય તે જોવાનું રહ્યું. રાહુલ ગાંધી 2019માં મોદીને હરાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે પરંતુ તેતો આવનારી ચૂંટણીમાં જ ખ્યાલ આવશે.