રાહુલ ગાંધીનું અલ્ટીમેટમ- દોઢ મહિનામાં ગુજરાતના નેતાઓ ખતમ કરે આંતરીક મતભેદ
પ્રદેશ પ્રમુખ ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી વચ્ચે મનમેળ ન હોવાનું સંભળાઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ આજે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસ કોર્ડીનેશન કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને આંતરીક મતભેદ ખતમ કરવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દોઢ મહિનામાં તમામ મતભેદ ખતમ કરો. પણ સવાલ એ થાય કે રાહુલ ગાંધીએ આવું પગલું કેમ ભર્યુ. વાસ્તવમાં રાહુલ ગાંધીને રિપોર્ટ મળ્યા છે કે ગુજરાત કૉંગ્રેસમાં સબ સલામત નથી. પ્રદેશ પ્રમુખ ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી વચ્ચે મનમેળ ન હોવાનું સંભળાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે ધાનાણી અમિત ચાવડાનું માનતા નથી. ઉપરાંત ચાવડાથી ઘણાં ધારાસભ્યો નારાજ હોવાનું પણ અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.
તો સંગઠન અને નેતાઓ વચ્ચે મતભેદ હોવાનું હવે સાબિત થઈ ગયું છે. આ જ કારણસર ઘણાં નેતાઓ બળવાખોર બન્યાં છે. અંદરોઅંદર રંધાતી ખિચડીથી અંતે નુકસાન કૉંગ્રેસને જ જઈ રહ્યું છે. ઘણાં નેતાઓ એવા છે જે બીજા નેતાના કામમાં દખલ દે છે. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે રાહુલ ગાંધીએ આ તમામ બાબતો દૂર કરવા પ્રદેશ સંગઠનને તાકીદ કરી છે.
તો રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, કાર્યકર્તાઓનું મનોબળ વધારવા રાહુલ ગાંધી દ્વારા ૬ કાર્યકરો અને ૩ ધારાસભ્યો નું સન્માન કરાયું છે. તો લોકસભા ચુંટણી મા ૨૬ બેઠકો જીત ને મૂળ મંત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યો હતો. રાહુલ ગાંધીના ઓક્ટોબરના પ્રવાસ અંગે પણ ચર્ચા કરાઈ છે.