અમદાવાદઃ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હાહાકાર મચાવનાર મેઘરાજા આવતીકાલથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ ખરાબ કરે તો નવાઈ નહીં. હવામાન વિભાગના એલર્ટ વચ્ચ અંબાલાલ પટેલની પણ નવી આગાહી આવી છે. જેમણે ચેતવણી આપી છે કે આગામી 3 દિવસો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે રહેશે. આજે હવામાન વિભાગની રેડ એલર્ટની ચેતવણી વચ્ચે કાલે ઓરેન્જ એલર્ટની આગાહી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ૨૩૯ મિ.મી., શહેરામાં ૨૩૨ મિ.મી. અને મહિસાગરના વિરપુરમાં ૨૨૮ મિ.મી. એટલે કે ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૨૧૦ મિ.મી., અરવલ્લીના બાયડમાં ૨૦૮ મિ.મી. અને ધનસુરામાં ૨૦૨ મિ.મી. વરસાદ નોંધાયો છે.   રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં ૧૮૪  મિ.મી મહીસાગરના લુણાવાડામાં ૧૭૨  મિ.મી, સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૭૧ મિ.મી.,   ખેડાના કપડવંજમાં ૧૫૭ મિ.મી. અને મહુધામાં ૧૫૧ મિ.મી. એમ મળી કુલ પાંચ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. 


આ પણ વાંચોઃ હવે સૌરાષ્ટ્રનો વારો : 4થી 10 ઈંચ વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગે આપી આ ચેતવણી


હાલમાં બંગાળ તરફથી એક મજબૂત વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્રને તરબોળ કરશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. જેના લીધે મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ થશે અને પૂર આવશે. અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતાં જણાવ્યું  છે કે, આ મજબૂત વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ ફંટાશે. તેથી અહીં ભારે વરસાદની શક્યતા રહેશે. તારીખ 18, 19 અને 20 દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની સંભાવાના છે. દ્વારકા, જામનગરમાં પણ વરસાદ થશે. ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે. રાજકોટ, સુરેન્દ્રનગર, લિમડી હળવદ, થાન, લખતરમાં પણ વરસાદ થવાની સંભાવના છે. આગામી તારીખ 19, 20, 21, 22માં મહારાષ્ટ્ર, મુંબઇ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 23 અને 24મીએ સૌરાષ્ટ્રના કિનારાના ભાગોમાં વરસાદમાં તરબતર થશે.


રાજ્યભરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિ અને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા બચાવ-રાહત પગલાંઓની સર્વગ્રાહી સમીક્ષા અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન અને નિગરાનીમાં સમગ્ર તંત્ર સતત એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જ છે.  મંત્રી ઋષિકેશભાઇ પટેલે ભારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પાણીમાં ફસાયેલા લોકોને NDRF અને SDRFની મદદથી બહાર કાઢવા સહિતની વિગતો તેમણે સંબંધિત કલેક્ટરો પાસેથી જાણી હતી.


આ પણ વાંચોઃ Rain: ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 95.17 ટકા


આ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં આશ્રય સ્થાનોમાં જે લોકો આશ્રય લઈ રહ્યા છે તેમના માટે ફૂડ પેકેટ, મેડિકલ ટીમ વગેરેની વ્યવસ્થાઓ પણ સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે તેની પણ વિગતો મંત્રી ઋષિકેશ ભાઇ પટેલે મેળવી હતી.
આ અંગે જે તે જિલ્લાઓમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ નો સહયોગ લેવા પણ તેમણે કહ્યું હતું


ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે ત્યાં મરામત કામગીરી ત્વરાએ હાથ ધરી સ્થિતિ પૂર્વવત કરવામાં મંત્રીએ સૂચનો કર્યાં હતાં. તેમણે કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેકટર પાસેથી રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના અને હવામાનની સંભવિત સ્થિતિ ની જાણકારી પણ લીધી હતી.પ્રવકતા મંત્રીએ અસર ગ્રસ્ત  વિસ્તારોમાં વીજ પુરવઠો, પીવાના પાણી અને રોડ કનેક્ટિવિટી ને જ્યાં અસર પહોંચી છે તે ઝડપ ભેર પૂર્વવત કરવા બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ સચિવોને સૂચનો કર્યા હતા.


ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહીની તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube