અમદાવાદ: જીવરાજના મેટ્રો રૂટ પર ભુવો, આખા અમદાવાદની ગતિ થંભી
અમદાવાદની ગતિ એક જ વરસાદમાં અટકી, અનેક જગ્યાએ ઝાડ પડ્યા અને શહેરનાં મોટા ભાગના માર્ગો પર પાણી અને ટ્રાફીક બંન્ને જામ
અમદાવાદ : આજે સાંજે શહેર વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. એક તરફ સાંજનો સમય હોવાનાં કારણે શહેરના મોટા ભાગનાં રસ્તાઓ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત પાણીનો નિકાલ નહી થઇ શકવાનાં કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા ભારે મુશ્કેલ પરિસ્થિતી સર્જાઇ હતી.
એક જ વરસાદમાં અડધુ અમદાવાદ તરતું થઇ ચુક્યું હતુ. વરસાદી પાણી ભરાઇ જવાના કારણે સરકારની પોલ ખુલી ગઇ હતી. જીવરાજપાર્ક પાસે આવેલા મેટ્રો રૂટ પર એક મોટો ભુવો પડ્યો હતો. મેટ્રો રૂટ પર ભૂવો પડવાના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેના કારણે અનેક રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભુવા પડવાના કારણે સંપુર્ણ રસ્તો જામ થઇ ચુક્યો છે.
સૌથી મહત્વની બાબત છે કે હાલ મેટ્રોનું પણ કામ ચાલી રહ્યું હોવાનાં કારણે અડધા રસ્તાઓ કામના કારણે રોકી લેવાયેલા છે. અન્ય બાકી બચતા રસ્તા પર પાણી ભરાઇ જવાનાં કારણે ટ્રાફીક જામ થયો હતો. શહેરની સ્પીડ જાણે અટકી ગઇ હતી. શિવરંજની સહિતનાં તમામ ઓવરબ્રિજ પર લાંબી લાંબી લાઇનો લાગી હતી. 132 ફુટનો રિંગરોડ, આનંદનગર રોડ, એસજી હાઇવે સહિતનાં તમામ માર્ગો પર લાંબી લાંબી કતારો લાગી હતી.