VIDEO: લાંબા વિરામ બાદ અમદાવાદમાં વહેલી સવાર મેઘરાજાનું આગમન, વરસાદી સિસ્ટમ સક્રિય
લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું છે. સવારે 5 વાગ્યાથી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે.
અમદાવાદ: લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું છે. સવારે 5 વાગ્યાથી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અખબાર નગર, રાણીપ, નારણપુરા સહિત સમગ્ર વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું છે. હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય બની છે. આ ઉપરાંત રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી રાજ્યમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.
સતત વરસાદના પગલે 6 અંડરપાસ બંધ, અનેક ઠેકાણે પાણી ભરાયા
સવારથી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. શહેરમાં 6 અંડરપાસ બંધ કરી દેવાયા હતાં. મીઠાખળી, ઉસ્માનપુરા, પરિમલ, કુબેરનગર, અખબાર નગર, ઝૂંડાલ રિંગરોડનો તેમાં સમાવેશ થાય છે. અનેક ઠેકાણે પાણી ભરાવવાની પણ શરૂ થઈ ગઈ છે. ભરાયેલા પાણીના નિકાલ માટે શહેરના વિવિધ તળાવમાં આવેલી વરસાદની પાણીની લાઈનના વાલ્વ ખોલવામાં આવ્યાં છે.
આ બાજુ વરસાદને લઈને અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વિટ પણ કરી છે. અમદાવાદમાં બધે વરસાદ છે. તમામ ઉચ્ચ અધિકારીઓ એએમસીની ઝોનલ ઓફિસ પહોંચી ગયા છે.
અમદાવાદથી જતી અનેક ફ્લાઈટ રદ
વરસાદના કારણે અમદાવાદથી જતી અનેક ફ્લાઈટ વિલંબીત કે રદ કરવામાં આવી છે. લાંબી મુસાફરીની ફ્લાઈટ રદ કરાઈ છે. કોચી અને હૈદરાબાદ જતી ફ્લાઈટ રદ કરાઈ છે. બેંગ્લુરુ જતી ફ્લાઈટ વિલંબીત કરાઈ છે.
આણંદમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ
આણંદ પંથકમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદના અહેવાલ છે. પંદર દિવસ બાદ સારો વરસાદ થયો છે. ડાંગર અને શાકભાજી પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. ગરમી અને બફારાથી પણ લોકોને રાહત મળી છે.
તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ
સોનગઢ સહિત ઉચ્છલ, વ્યારા, ડોલવણ, વાલોડમાં પણ વરસાદ છે. ગત રાતથી મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. કુકરમુંડા, નિઝરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યાં છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ
લાંબા વિરામ બાદ મહિસાગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. લુણાવાડા અને વીરપુરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ નોઁધાયો છે. કડાણા અને બાલાસિનોરમાં પણ વરસાદ છે. પાટણ પંથકમાં પણ વરસાદી માહોલ છે.