PICS વહેલી સવારે અમદાવાદમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ રહેલા અમદાવાદીઓને આજે વહેલી સવારે વરસાદી માહોલ અને વરસાદના ઝાપટાથી ખુબ રાહત મળી હશે
અમદાવાદ: કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ રહેલા અમદાવાદીઓને આજે વહેલી સવારે વરસાદી માહોલ અને વરસાદના ઝાપટાથી ખુબ રાહત મળી હશે. રાજ્યમાં હાલ અનેક સ્થળોએ વરસાદે પધરામણી કરતા હવામાન ખુશનુમા બન્યું છે. મેટ્રો સીટી અમદાવાદમાં પણ આજે વરસાદે પધરામણી કરી. આ સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે.
હાટકેશ્વર બેટમાં ફેરવાયું
અમદાવાદનો પૂર્વ વિસ્તાર હાટકેશ્વરમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું છે. ખોખરા હાઉસિંગ બોર્ડ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જશોદાનગર પુનિતનગર ક્રોસિંગ પાસે પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે. આ સાથે સીટીએમ કુશાભાઈ ઠાકરે હોલ પાસે પાણી ભરાયા છે. રબારી કોલોની પાસે નીચાણવાળા વિસ્તારોમાં, એક્સપ્રેસ હાઈવે રાધિકાપાર્ક સોસાયટી પાસે તથા જામફળવાડી વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
આંબાવાડી વિસ્તારમાં એક ઝાડ ધરાશયી થયું હોવાનું જાણવા મળ્યું છે. પવન સાથે વરસાદ પડતા વહેલી સવારે ઝાડ ધરાશયી થયું હતું.
ખેડામાં પણ વરસાદ
વડામથમક નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. સવારે 5 વાગ્યાથી શરૂ થયેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લામાં ઠેરઠેર લાઈટો બંધ થઈ ગઈ છે.
દાહોદમાં ધોધમાર વરસાદ
સમગ્ર દાહોદ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે લાઈટો પણ બંધ થઈ ગઈ હતી.
ડાકોરમાં મેઘરાજાની પધરામણી
યાત્રાધામ ડાકોરમાં પણ વહેલી સવારથી વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. જો કે આ સાથે નગરપાલિકાની બેદરકારી પણ સામે આવી રહી છે. રણછોડજી મંદિરની બહાર પાણી ભરાઈ ગયા છે. પ્રિમોન્સૂન કામગીરી ખાળે ગઈ હોય તેવું જણાઈ આે છે.