રાજ્યમાં વરસાદી આફતઃ 108 ગામમાં વીજ પુરવઠાને અસર, 110 માર્ગ બંધ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ 204 જળાશયમાંથી 196 જળાશયોમાં 70 ટકા કરતાં ઓછું જળસ્તર છે, જ્યારે માત્ર 1 જ જળાશયમાં 80થી 90 ટકા પાણી ભરાયું છે.
હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં તો સિઝનની શરૂઆતથી જ વરસાદ બરાબર જામ્યો છે. બુધવારે વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબક્તાં શહેરમાં જળબંબાકારની સ્થિતી છે. સમગ્ર રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે 108 ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, જ્યારે રાજ્યના 110 જેટલા માર્ગો બંધ થઈ ગયા છે.
વડોદરામાં બારેમેઘ ખાંગા
વડોદરા શહેરમાં બુધવારે બપોર પછી 6 કલાકમાં 18 ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. શહેરના 20 ટકા વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાઈ ગયો છે. શહેરની અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘુસી ગયાં છે. એનડીઆરએફની ટીમ દ્વારા અસંખ્ય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વડોદરામાં આફતનો વરસાદ: 4000થી વધુ લોકોનું સ્થળાંતર, 6 વ્યક્તિના મોત
સમગ્ર રાજ્ય વરસાદથી પ્રભાવિત
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યના 108 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે અને રાજ્યના 110 માર્ગો વરસાદના કારણે બંધ થઈ ગયા છે. જેમાં નવસારી જિલ્લામાં 28 માર્ગ, વલસાડ જિલ્લાના 24 માર્ગ સહિતના ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો બંધ થઈ ગયા છે. વડોદરા શહેરના 4 માર્ગ બંધ છે, જેમાં બે પંચાયતના અને બે સ્ટેટ હાઈ વે છે.
વડોદરામાં આભ ફાટ્યું: પૂરની સ્થિતિ વચ્ચે NDRFની ટીમનું રેસ્ક્યૂ, દાઢ માસના બાળકનો બચાવ્યો જીવ