ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૯૬ મી.મી. એટલે કે આઠ ઇંચ જેટલો જ્યારે કોડીનાર તાલુકામાં ૧૮૫ મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૦/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજુલા તાલુકામાં ૧૦૬ મી.મી. અને ઉમરગામ તાલુકામાં ૧૨૦ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ અને માળીયા તાલુકામાં ૭૫ મી.મી. તથા ગીર-ગઢડા તાલુકામાં ૭૫ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી


ઉપરાંત મોડાસા તાલુકામાં ૬૪ મી.મી., વેરાવળ તાલુકામાં ૬૫ મી.મી. અને ખાંભા તાલુકામાં ૬૩ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં બે ઇંચથી વધુ જ્યારે ધનસુરા, કપડવંજ, સંતરામપુર, માંગરોળ, ઉના, જાફરાબાદ અને સાવરકુંડલા મળી કુલ સાત તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૧૫ તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 


ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૬૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૫.૮૫ ટકા, ઉત્તર ગુજરાત રીજીયનમાં ૧૧.૪૧ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૪.૫૩ ટકા, સૌરાષ્ટ રીજીયનમાં ૧૦.૦૭ ટકા તથા દક્ષિણ ગુજરાત રીજીયનમાં ૨૯.૪૪ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.