ઝી મીડિયા/બ્યૂરો :હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે. દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ પડ્યો છે. સુરત, વલસાડ, નવસારીમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ આવતા જ વાતાવરણમાં બફારો ઓછો થયો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગર, અમરેલીમાં વરસાદ આવતા ખેડૂતો રાજીના રેડ થયા છે. બે સપ્તાહના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો પણ ખુશ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 19 તાલુકામાં વરસાદ પડ્યો 
રાજ્યમાં આજે સવારથી બે વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં બે ઇંચ વરસાદ નોંધાયો. તો વલસાડ તાલુકામાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળીયા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જૂનાગઢના કોડિનારમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 


આજે બપોર પછી સુરતમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સુરતના કતારગામ, વેસુ, અઠવાગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવતા લોકો હરખાયા છે. 2 સપ્તાહ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો લોકોને ભારે બફારાથી રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પણ અનુભવાઈ. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. વલસાડ, પારડી, વાપી, ઉમરગામ તાલુકામાં વરસાદ નોંધાયો. જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ આવતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. નવસારી શહેર તેમજ અન્ય તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વરસાદ શરૂ થયો છે. 



વરસાદની આગાહી હતી
હવામાન ખાતાના અપડેટ અનુસાર, આ બે દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી અસર જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. જેથી 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.