કચ્છ : અફઘાનિસ્તાનનાં પૂર્વીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની અસરથી 10 અને 11 ડિસેમ્બરમાં બે દિવસમાં માવઠાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં અનેક સ્થળે ઝાપટાં અને અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે. 12થી 13 ડિસેમ્બર બાદ બેથી ત્રણ ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા છે. તો બીજી તરફ, ભર શિયાળે કચ્છના લખપતમાં વરસાદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીનો ચમકારો વધ્યો
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા રાજ્યમાં ઠંડી વધી છે. ઊત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઊત્તર ભારતમાં અનેક સ્થળે હિમવર્ષા થઈ છે, તો કેટલાક સ્થળોએ ધુમ્મસ પણ છવાઈ ગયું છે. 


રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની શક્યતા
હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન શનિવાર કરતાં 2 ડિગ્રી જેટલું ગગડીને 14.1 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અફઘાનિસ્તાનનાં પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરોથી 10થી 11મી ડિસેમ્બર દરમિયાન રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની શક્યતા છે. 


કચ્છના લખપતમાં પડ્યો વરસાદ
કચ્છના લખપતમા આજ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભર શિયાળામાં કોઈ વિશ્વાસ ન કરે તેવો વરસાદ લખપતના કેટલાક ગામોમાં વરસ્યો છે. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. લખપતના સિયોત, મુધાન વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 2014થી લઇને 2017 સુધીમાં ઓખી વાવાઝોડુ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થયું હતું.