સુરત: દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં વચ્ચે દક્ષિણ ગુજરાતના 27 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં બે કલાકમાં સુરત જિલ્લાના મહુવામાં 1.2 અને માંગરોળમાં 1.1 ઈંચ વરસાદ પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુજરાતમાં આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે. ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. તો વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આગામી પાંચ દિવસો દરમિયાન 30થી 40 કિલોમીટરની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ભરુચ,  વલસાડ અને દમણ, તેમજ મધ્ય ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જયારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીરસોમનાથમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.


રવિવારે 75 તાલુકામાં વરસાદ
છેલ્લા રવિવારે ગુજરાત રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના દહેગામમાં 3  ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો સાબરકાંઠાના તલોદમાં 2.5 ઇંચ વરસાદ, અમદાવાદ સિટીમાં અને વલસાડના કપરાડામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. કચ્છના નખત્રાણા અને અરવલ્લીના માલપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના ૭ તાલુકામાં બે ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ 
રાજ્યના 27 તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 


રવિવારે સુરત શહેરના વરાછા બી ઝોનમાં બપોરે 12 થી 4 વાગ્યાના 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે સેન્ટ્રલ ઝોન, વરાછા-એમાં 1.5 ઇંચ, કતારગામ, અઠવામાં 1 ઇંચ સહિત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા. બપોર પછી વરસાદ બંધ થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube