અમદાવાદઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતભરમાં આગામી પાંચ દિવસમાં વરસાદ થશે. આગામી પાંચ દિવસમાં ગુજરાતના લગભગ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ અને અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી કરાઈ છે. હજું પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધાર્યા પ્રમાણે વરસાદ પડ્યો નથી. ખેડૂતો વરસાદની મીડ માંડીને રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં ફરી એકવાર વરસાદ ખાબક્યો છે. રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલાના કુંભારિયા, હડમતીયા, દેવકા ડુંગર સહિતના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.



ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો વરસાદ
ગત વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે રાજ્યમાં ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના પાટણમાં ગત વર્ષે 11 ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે આ વર્ષે જૂલાઇ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં માત્ર 2 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ગત વર્ષે 7 ઇંચ વરસાદ નોંધાયો હતો જે આ વર્ષે માત્ર 1.5 ઇંચ નોંધાયો છે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય વરસાદ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં જુલાઇ 2017માં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે અત્યાર સુધીમાં નહિવત્ વરસાદ વરસ્યાના આંકડા સામે આવ્યા. મોરબીમાં પણ ગયા વર્ષે 11.5 ઇંચ વરસાદ પડ્યો હતા જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ નોંધાયો. દેવભૂમિ દ્વારકામાં પણ અત્યાર સુધી મેઘમહેર થઇ નથી જ્યારે ગત વર્ષે 2017માં જૂલાઇના પ્રથમ સપ્તાહમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો છે.